તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લુઝિવ:વાપી પાલિકાની કચરામાંથી ખાતર બનાવવાની મશીનરી 6 વર્ષમાં સડી ગઇ, બે વખત પ્રોજેકટનું બાળમરણ, ફરી સુરતની એજન્સીને કોન્ટ્રાકટ અપાયો

વાપી10 દિવસ પહેલાલેખક: કેતન ભટ્ટ
  • કૉપી લિંક
  • કચરામાંથી વીજળી ઉત્પન્ન અને ખાતર બનાવવાના પ્રોજેકટો નિષ્ફળ બાદ ત્રીજી વખત ફરી એજ પ્રોજેકટ રિપિટ
  • નામધા ડમ્પિંગ સાઇટ ઉપર કચરાના ડુંગરો ખડકાતા નિકાલ માટે પાલિકાના ત્રીજા પ્રયાસ સામે ઉભા થતા સવાલો

વાપી શહેરના કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવાના અને ખાતર બનાવવાના પ્રોજેકટો પાલિકાની કમ્પોઝસાઇટ પર નિષ્ફળ ગયા છે. આ બંને પ્રોજેકટોનું બાળમરણ થઇ ચુકયુ છે. સ્થળ પર હાલ 2013-14ની વેસ્ટ ટુ કમ્પોઝની મશીનરી રીતસરની સડી રહી છે. આમ છતાં વાપી પાલિકાએ ફરી શહેરના કચરામાંથી ખાતર બનાવવાના પ્રોજેકટ માટે સુરતની એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો છે. બે-બે વખત નિષ્ફળતા છતાં પણ પાલિકાએ ત્રીજી વખત સુરતની એજન્સીને કચરામાંથી ખાતર બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે.

મહત્વની વાત એ છે કે સુરતની એજન્સીને પાલિકા સુવિધા આપશે તથા પાલિકા ટનદીઠ ખાતરના પૈસા એજન્સીને આપશે, પરંતુ પાલિકાને આવક થશે નહિં. માત્રને માત્ર કચરાના નિકાલ માટે પાલિકા આ પ્રોજેકટ હાથ ધરશે. બે-બે વખત નિષ્ફળતા પછી હવે ફરી ત્રીજી વખત કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી ખાનગી એજન્સીને સોંપાતા ખુદ કેટલાક નગરસેવકોમાં પણ ભારે આશ્વર્ય ફેલાયુ છે. આમ પાલિકાએ ફરી કમ્પોઝ પ્લાન્ટને શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

એજન્સીને ટનદીઠ પાલિકા રૂ.990 આપશે, નવા કોન્ટ્રાકટની આ શરતો
પાલિકાએ સુરતની સૌરાષ્ટ એન્વાયરમેન્ટ એજન્સીને જવાબદારી સોંપી છે. જેમાં એજન્સી સ્કવેરફુટ રૂ.1 વર્ષ દરમિયાન પાલિકાને ભાડુ ચુકવશે. વિજળી બિલ અને અન્ય તમામ ખર્ચા એજન્સી જાતે કરશે. તૈયાર થયેલા ખાતરના પ્રતિટન પાલિકા એજન્સીને રૂ.990 આપશે. જો કે જે કચરો ખાતરની પ્રોસેસમાં ન ચાલે તેટલી રકમ ટનદીઠ ઓછી આપવામાં આવશે. પાલિકા નજીવા ખર્ચે ખાતરને બજારમાં વેચશે. ટુકમાં કચરાના નિકાલ માટે પાલિકાએ આ પ્રોજેકટ હાથ ધર્યો છે.

સીધી વાત: ચેતન પરમાર, સેનેટકી ઇન્સ્પેક્ટર,વાપી

બે વખત પ્રોજેકટો નિષ્ફળ ગયા છે છતાં પણ ફરી વખત કામગીરી કેમ ?
- જ.જીપીસીબીના નિયમો પ્રમાણે હવે કચરાનો નિકાલ કરવો પડે તેમ છે. ભરૂચની પાલિકાને દંડ કરવામાં આવ્યો છે. જેથી હવે કચરાના નિકાલ માટે સુરતની એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે.

હાલ કમ્પોઝપ્લાન્ટ પર મશીનરી સડી રહી છે તેનો કેટલો ખર્ચ થયો ?
- જ.અગાઉના બંને પ્રોજેકટોમાં પાલિકાને ખર્ચ થયો નથી. જે-તે એજન્સીએ કામગીરી ચાલુ કરી હતી. આ મશીનરી પણ એજન્સીની છે. હવે જે નવી મશીનરી 31 જુલાઇ સુધીમાં આવવાની છે તે નવી એજન્સી
ફીટ કરશે.

ખાતરના પ્રોજેકટમાં પાલિકાને શું ફાયદો ?
- જ.કમ્પોઝપ્લાન્ટમાં જગ્યા ખાલી રહે અને કચરાનો રોજના નિકાલ થાય તે માટે આ પ્રોજેકટ શરૂ થશે. પાલિકા ટનદીઠ નકકી કરેલા પૈસા એજન્સીને આપશે. આ પ્રોજેકટથી પાલિકાને આવક થશે નહિં.

નવા કમ્પોઝ પ્લાન્ટમાં વિલંબ
10 કરોડના ખર્ચે પાલિકાના ચંડોર ખાતે કમ્પોઝપ્લાન્ટને વિકસાવામાં આવી રહ્યો છે. જેની કામગીરી હાલ ચાલી રહી છે. પરંતુ આ પ્રોજેકટ પૂર્ણ થતાં સમય લાગશે. આગામી ચોમાસામા કારણે કામગીરી બંધ રહેશે, પરંતુ આ પ્રોજેકટ પૂર્ણ થાય તે પૂર્વે કચરામાંથી ખાતર બનાવાની પ્રક્રિયાની જવાબદારી સુરતની એજન્સીને આપી દેવામા આવી છે.

કચરામાંથી આવક મેળવાની જગ્યાએ વધુ ગુમાવ્યા પડ્યા
પાલિકાનો કમ્પોઝપ્લાન્ટ પ્રયોગશાળા હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદની એજન્સી તથા અન્ય એક ખાનગી એજન્સીએ અહી પાયલોટ પ્રોજેકટો કર્યા હતાં. જેમાં પાલિકામાંથી અનેક સુવિધાઓ મળી હતી. પાલિકાને ફાયદો થશે તેવા ઉદેશ્ય સાથે આ પ્રોજેકટો હાથ ધરાયા હતા, પરંતુ જેમાં નિષ્ફળતા મળી છે, ત્રીજા પ્રોજેકટથી પાલિકાને ફાયદો થશે કે નુકસાન તેના પર મીટ છે.

અન્ય સમાચારો પણ છે...