ધડ્પકડ:વાપી IIFL લૂંટ કેસ ઉકેલાતા 1127 ગ્રાહકોને દાગીના અથવા રોકડ મળવાની આશા જાગી, રૂ.70 લાખ કબજે

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 13 કરોડના દાગીના લૂંટ કેસમાં ઝડપાયેલા છોટા રાજન ગેંગના 2 આરોપીને આજે વાપી લવાશે

વાપી ચણોદ ખાતે દાગીના પર લોન આપતી આઇઆઇએફએલની ઓફિસમાં 6 બુકાનીધારીઓ તમંચા અને કોયતા લઇને પ્રવેશ્યા બાદ 8 કર્મચારીઓને બંધક બનાવી સ્ટ્રોંગ રૂમમાંથી રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં ગુજરાત એટીએસની ટીમે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી છોટા રાજન ગેંગના બે આરોપીની ધરપકડ કરી રૂ.70 લાખ કબજે કરી છે. શનિવારે બંને આરોપીને વાપી લઇ આવી વધુ પૂછપરછ હાથ ધરાશે ત્યારે આ બેંકના 1127 ગ્રાહકોને રોકડ અથવા દાગીના મળવાની આશા જાગી છે.

વાપીની આઈઆઈએફએલ બેંકમાં 9 જાન્યુઆરી 2020ના રોજ બનેલી સનસનાટી ભરેલી ઘટનામાં 6 બુકાનીધારી તમંચા અને કોયતા લઇ પ્રવેશી ગયા હતા. જ્યાં 3 મહિલા સહિત 8 કર્મચારીઓના હાથ-પગ અને મોઢે સેલોટેપ લગાવી તેઓ સ્ટ્રોંગરૂમમાંથી દાગીનાના 1127 પેકેટ લઇ 86 પેકેટ છોડી ફરાર થઇ ગયા હતા. પોલીસ તપાસમાં થોડા દિવસ બાદ લૂંટમાં વપરાયેલી એક કાર ભીલાડ નજીક ધનોલી ગામથી મળી હતી. જ્યારે બીજી એક શંકાસ્પદ કાર ધરમપુર નજીકથી મળી આવી હતી. જોકે સ્થાનિક પોલીસના હાથે કોઇ કડી લાગી શકી ન હતી. ગુજરાત એટીએસની ટીમે આ કેસમાં સંડાવાયેલા આરોપી શરમત બેગ ઉર્ફે કાલુ હમામ ખલીલ બેગ રહે.નાલાસોપારા મુંબઇ અને સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના કુમાર નાયક રહે.ચીકમંગલુર કર્ણાટકની ધરપકડ કરી રોકડા રૂ.70 લાખ કબજે કર્યા છે. બંને આરોપી છોટા રાજન ગેંગના સક્રીય સભ્ય હોવાનું અને મુંબઇમાં મર્ડર તેમજ લૂંટના અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. આ ગેંગે ભીલાડમાં પણ લૂંટ ચલાવી હતી. 

બેંક સાથે હજુ કોઇએ સંપર્ક કર્યો નથી  
 લૂંટના બંને આરોપીઓ પકડાઇ ગયા હોવાની માહિતી ન્યૂઝ ચેનલોથી મળી હતી. હાલ આ અંગે પોલીસ ખાતા તરફથી અમને કોઇ કોલ આવ્યો નથી.-વિજય રાય, મેનેજર, આયઆયએફએલ
લોકલ કનેક્શન અંગે જાણવા મળ્યું નથી 
 લૂંટના બંને આરોપીને અમદાવાદથી વાપી લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. તેમજ અન્ય 4 આરોપીને શોધી મુદ્દામાલ કવર કરવા પ્રયાસો હાથ ધરાશે. લોકલ કનેક્શન જાણવા મળ્યું નથી. -ડી.ટી.ગામીત, પીઆઇ, એલસીબી, વલસાડ 

અન્ય સમાચારો પણ છે...