વાપી જીઆઇડીસી વિસ્તારમાં અપાતા પાણીના દરમાં 10 ટકાનો વધારો નોટિફાઇડ કચેરી દ્વારા ઝીંકવામાં આવતાં ઉદ્યોગપતિઓમાં ભારે કચવાટ ઊભો થયો છે. હાલ પાણીના દર એક કિલો (1000 લિટર)ના દર રૂ.57.50થી વધારીને રૂ.64 કરવામાં આવ્યો છે. પાણી અને ડ્રેનેજના દરમાં વધારો કરવામાં આવતાં વિરોધના સુર સાથે આક્રોશ વધી રહ્યો છે.
જીઆઇડીસીમાં રોજના 70 એમએલડીનો પાણીનો વપરાશ થાય છે. જેથી દર મહિને 90 લાખનો બોઝો ઉદ્યોગકાર માથે આવશે. વાપીના ઉદ્યોગો કોરોના કાળ બાદ ધીમે-ધીમે ગ્રોથ તરફ આગળ વધી રહ્યાં છે ત્યાં જીઆઇડીસી વિસ્તારમાં પાણી અને ડ્રેનેજના દરમાં 10 ટકા વધારો ઝીંકવામાં આવ્યો છે. જેમાં પાણીનો દર પ્રતિ કે.એલ. રૂ.57.50 હતો. જેની જગ્યાએ હવે રૂ. 64 કરવામાં આવ્યો છે. જયારે ગટરનો ભાવ રૂ.5 હતો જેની જગ્યાએ રૂ.10 કરવામાં આવ્યો છે.
આ નિર્ણય સામે ઉદ્યોગકારોમાં વિરોધના સુર ઉઠી રહ્યાં છે. રોજના વાપીના ઉદ્યોગો 70 એમએલડી પાણીનો વપરાશ કરે છે. હાલ મહિને 9 કરોડનું બિલિંગ થાય છે. જે મુજબ 10 ટકા વધારો કરાતાં ઉદ્યોગપતિઓમાં માથે દર મહિને 90 લાખનો બોઝો વધશે. નોટિફાઇડન ચીફ ઓફિસર દેવેન્દ્ર સગરે જણાવ્યું હતું કે સિંચાઇ વિભાગને નોટિફાઇડ પાણીનું પેમેન્ટ કરે છે. જેથી નિયમ પ્રમાણે પાણીના દરમાં વધારો કરવામાં આવતો હોય છે. પરંતુ પાણી અને ગટરના દરમાં થયેલા વધારા અંગેના નિર્ણયની ચર્ચા ઉદ્યોગ આલમમાં ચાલી રહી છે. 20 મેએ વીઆઇએની એજીએમમાં આ મુદ્દો ગરમાશે.
પાણીની ચોરીની બૂમો વાપી જીઆઇડીસીમાં સૌથી વધુ પાણી ચોરી થતી હોવાની બુમો ઉઠી રહી છે. ભુતિયા કનેકશન મારફતે પાણીની ચોરી કરવામાં આવતી હોય છે. પાણીના દરમાં સતત વધારાના કારણે પૈસા બચાવવા પાણીની ચોરી કરવામાં આવતી હોય છે,પરંતુ તંત્ર કડક એકશન લેતું નથી.
છેલ્લા ત્રણ વર્ષમાં ભાવ વધારાની સ્થિતિ
વિગત | (1 કે.એલ.ના ભાવ ) |
2019-20 | 46 |
2020-21 | 55 |
2021-22 | 57 |
2022-23 | 64 |
ડ્રેનેજમાં 3વર્ષમાં ભાવ વધારાની સ્થિતિ
વર્ષ | ભાવ |
2019-20 | 3.5 |
2020-21 | 3.85 |
2021-22 | 5 |
2022-23 | 10 |
પાણીદરમાં વધારો રોકવામાં એસોસીએશન નિષ્ફળ નિવડ્યું
વાપી જીઆઇડીસી વિસ્તારમાં પાણીદરમાં છેલ્લા થોડા વર્ષોથી સતત 10 ટકા વધારો કરાયો છે. ભુતકાળમાં વીઆઇએની ટીમે સરકારમાં રજૂઆત પણ કરી હતી પરંતુ હજુ સુધી તે ધ્યાને લેવાઇ નથી. હાલ વીઆઇએના હોદેદારો મુખ્યમંત્રી, નાણામંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆત કરી ઉદ્યોગકારોને રાહત અપાવે તેવી માગ ઉઠી રહી છે. સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યું હતું કે સરકારમાં રજૂઆત થઇ છે. આ પ્રશ્ર ઉકેલવાની ખાતરી મળી છે.
સિંચાઇ વિભાગને જીઆઇડીસી પ્રતિ કે.એલ.ના 38 આપે છે
વાપી નોટિફાઇ઼ના અધિકારીઓના મતે સિંચાઇ વિભાગ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને પાણી આપે છે. જીઆઇડીસી પ્રતિ કે.એલ.ના 38 સિંચાઇ વિભાગને ચુકવે છે. જો કે સિંચાઇ વિભાગના કરોડો રૂપિયા હજુ પણ બાકી બોલી રહ્યાં છે. સિંચાઇના કારણે છેલ્લા થોડા વર્ષોથી જીઆઇડીસીમાં 10 ટકા પાણી વેરામાં વધારો થાય છે. જયારે રહેણાંક વિસ્તારની બહાર નક્કી કરેલા ડરથી ડબલ ભાવ લેવામાં આવે છે.
જીઆઇડીસીએ સિંચાઇ વિભાગને કરોડો રૂપિયા ચૂકવવાના બાકી
વાપી જીઆઇડીસી પાણી માટે સિંચાઇ વિભાગને નાણાં ચુકવે છે. લાંબા સમયથી બાકી કરોડો રૂપિયા હજુ પણ સિંચાઇ વિભાગને ચુકવાયા નથી. આ પ્રશ્ર હજુ પણ ઉકેલાયો નથી. બીજી તરફ દર વર્ષે પાણીના દરમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. જેના કારણે ઉદ્યોગકારોમાં આક્રોશ ઊભો થઇ રહ્યો છે. જો કે અનેક રજૂઆતો સરકારમાં કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.