મોટી રાહત:3 માસથી બંધ વાપી-દેગામ-મોટાપોંઢા એસટી બસનો રૂટ પર ફરી શરૂ કરાયો

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ રસ્તાનાથી 25 બસોને ડાયવર્ઝન આપ્યુ હતું

વાપી-દેગામ સ્થિત મોટાપોંઢા રોડ તંબાડી પાસે 3 માસથી મોટા ગાબડાના કારણે વાપી ડેપો દ્વારા એસટી બસોના રૂટને ગુંજનથી કોપરલી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો,પરંતુ હાલ માર્ગની મરામત્ત કામગીરી પૂર્ણ થતાં ફરી વાપી -દેગામ -મોટાપોંઢા તરફ એસટી બસોના રૂટો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યાં છે.જેના કારણે હજારો મુસાફરોને મોટી રાહત થશે. વાપી જીઆઇડીસી અને શહેરમાં કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોની રોજના અવર-જવર રહે છે. નાનાપોંઢા,મોટાપોંઢા,દેગામ સહિતના ગામોમાંથી નોકરી-ધંધા માટે મોટી સંખ્યામાં લોકો વાપી આવે છે,પરંતુ છેલ્લા 3 માસથી ખરાબ રસ્તાના કારણે મુસાફરોએ હાલાકી ભોગવવી પડી રહી હતી.

તંબાડી પાસે બ્રિજ નબળો પડતાં વાપી ડેપોની મોટાપોંઢા રૂટની 25 એસટી બસો વાપી ગુંજન થઇ રાતા,કોપરલી રૂટ પર દોડી રહી હતી.પરંતુ હાલ મરામત કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થઇ રહ્યા છે, ત્યારે ત્રણ માસથી આ રૂટ પર બંધ થયેલી વાપી ડેપોની 25 એસટી બસો હવે ગુંજન-કોપરલી નહિ પરંતુ વાપીથી દેગામ તરફના માર્ગ પરથી પસાર થશે. ડેપોના મેનેજર મહલાએ જણાવ્યું હતું કે ફરી રાબેતા મુજબ એસટી બસો દેગામ-મોટાપોંઢા વાળા રૂટ પર ચાલશે. એસટી વિભાગે નિરીક્ષણ કરી દીધુ છે. બીજી તરફ મુસાફરો પણ આજ રૂટ પરથી એસટી બસો ચલાવવા માગ કરી રહ્યાં હતાં.

મોટાપોંઢા-નાનાપોંઢા અને કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી દરરોજ હજારોની સંખ્યામાં કામદારો વાપી જીઆઇડીસીની કંપનીમાં કામ કરવા આવતા હોય છે. આ કામદારો અવર જવર કરવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે. જોકે, ચોમાસામાં ખરાબ માર્ગને લઇ એસટી ડેપોએ બસને ડ્રાયવર્ઝન કરી દેતા કામદારોને અનેક મુશ્કેલી પડી રહી હતી. ત્રણ માસ પછી આ રૂટ પૂન: શરૂ કરાતા ખાસ કરીને કામદારોને મોટી રાહત અને સમય બચશે.

અન્ય સમાચારો પણ છે...