વિવાદ:વાપી છીરીમાં કોન્ટ્રાક્ટર પાસેથી વધુ કમિશન માંગી ચપ્પુ-સળિયાથી હુમલો

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાઇક પર જતા યુવકને 4 લોકોએ અટકાવ્યો હતો

વાપીના છીરીમાં રહેતો અને કંપનીમાં કોન્ટ્રાક્ટ ચલાવતો યુવક મંગળવારે ઘરે જઇ રહ્યો હતો. ત્યારે ચાર લોકોએ તેને અટકાવી ચપ્પુ અને સળિયાથી માર મારતા સારવાર માટે તે હોસ્પિટલમાં ખસેડાયો હતો. કોન્ટ્રાક્ટમાં મજૂર આપનાર ઇસમે વધુ કમીશન ન આપતા આ યુવક ઉપર હુમલો કર્યા હોવાની ફરિયાદ ઇજાગ્રસ્તે નોંધાવી છે. વાપી છીરી વલ્લભનગરમાં રહેતો અને સરના તથા સંધ્યા કેમિકલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો તથા છીરીમાં જ મોબાઇલની દુકાન ધરાવતો ગૌતમ યોગેશ શર્મા ઉ.વ.23 મંગળવારે રાત્રે તેના બે માણસો સાથે બાઇક ઉપર ઘરે જમવા માટે જઇ રહ્યો હતો.

તે દરમિયાન વલ્લભનગર ગેટ પાસે શશીકાંત ઉર્ફે લકીએ તેને અટકાવી ગાળો બોલતા તોસીફ નામના ઇસમે પાઇપ વડે ગૌતમને માથાના ભાગે મારેલ અને તે વખતે કાબરા તથા રાહુલ પવાર નામના બે ઇસમો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ચારેય જણાએ ફરિયાદીને પકડી લીધા બાદ માથા તથા હાથ-પગના ભાગે ચપ્પુ અને સળિયાથી ફટકો મારતા ઘભરાયેલા તેના બંને માણસો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જોરથી બૂમો સાંભળતા સ્થાનિકો ત્યાં દોડી આવતા ચારેય જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઇ ગયા બાદ સારવાર માટે ઇજાગ્રસ્ત હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હાલ ડુંગરા પોલીસે ચારેય આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, આરોપી શશીકાંતએ થોડા માસ અગાઉ તેને કોન્ટ્રાક્ટમાં ચલાવવા મજૂરો આપ્યા હતા. જેમાં કમીશન આપ્યા બાદ અડધો હિસ્સો માંગતા તે માટે ના પાડી દેતા આ હુમલો કરાયો હતો.

ફરિયાદીએ વાપી હરિયા હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં સારવાર દરમિયાન પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપી શશીકાન્ત અગાઉ પણ ફોન ઉપર અને રૂબરૂ મળી લેબરોના કમિશનની જગ્યાએ સીધા અડધા હિસ્સાની માગણી કરી હતી. પરંતુ માત્ર કમિશન આપવા કહેતા રોષમાં અન્ય 3 સાથે મળી આ જીવલેણ હુમલો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...