વાપીના પૂર્વ-પશ્રિમ વિસ્તારની અવર-જવર માટે જુના ફાટક પાસે પેડેસ્ટ્રીયનની કામગીરી ચાલી રહી છે, પરંતુ મંથરગતિએ કામગીરી ચાલતાં પાલિકાના પદાધિકારીઓએ મુંબઇ પહોંચી ડીઆરએમને રજૂઆત કરી હતી. જેને લઇ રેલવે વિભાગના ચીફ એન્જીનિયરે સ્થળ નિરીક્ષણ કરી ખાનગી એજન્સીને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી છે. જો કે ચોમાસા પહેલા પ્રોજેકટ પૂર્ણ થવો મુશ્કેલ હોવાની માહિતી મળી રહી છે.
વાપીના પડતર પ્રશ્નો ઉકેલવવા થોડા સમય પહેલા નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ પાલિકા પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ સહિતની ટીમ ડીઆરએમ સત્યકુમાર વેસ્ટર્ન રેલવેના સિનિયર ડીવીઝનલ એન્જીનિયર (નોર્થ) આર.અરુણકુમાર સાથે બેઠક યોજી હતી. જેમાં વાપી પાલિકા વિસ્તારમાં એલ.સી.80 (જુના ફાટક) પાસે રાહદારીઓને પૂર્વ-પશ્રિમ રેલવે ક્રોસિંગ કરવા માટે પેડેસ્ટ્રીયન સબ વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માગ કરી હતી.
જેને લઇ તાજેતરમાં રેલવેના ચીફ એન્જીનિયરની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. કયા કારણે સબ વેનો પ્રોજેક્ટ મંથરગતિએ ચાલી રહ્યો છે તેની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે ચોમાસા પહેલા સબ વેનો પ્રોજેકટ પૂર્ણ કરવા રેલવેના ચીફ એન્જીનિયરે કોન્ટ્રાકટરને તાકીદ કરી હતી. ચોમાસા પહેલા આ પ્રોજેકટ પૂર્ણ કરવાનો લક્ષ્ચાંક રેલેવે વિભાગનો છે.
6 વર્ષથી ચર્ચા બાદ પ્રોજેકટ હવે પૂર્ણ થશે
વાપી પાલિકાના ભુતકાળના પદાધિકારીઓ ફુટ ઓવરબ્રિજ બનશે તેવી જાહેરાતો કરતાં હતા, પરંતુ ત્યારબાદ પ્રોજેકટ હાથ ધરાતો ન હતો. આ વર્ષે નાણામંત્રી કનુભાઅ દેસાઇએ ખાતમુર્હુત કર્યા બાદ સબ વેના પ્રોજેકટની કામગીરી હાથ ધરાઇ હતી, પરંતુ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે. છેલ્લા છ વર્ષથી સબ વેની ચર્ચા જ ચાલતી હતી. પરંતુ હવે આ પ્રોજેકટ પૂર્ણ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.