આર્થિક વિકાસ નગરી તરીકે જાણીતા વાપીમાં છેલ્લા બે વર્ષમાં અનેક નવા પ્રોજેકટો શરૂ થયાં છે. આ સાથે કેટલાક પ્રોજેકટો ખોરંભે પણ પડ્યાં છે,પરંતુ હવે પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ રાજય સરકારમાં ફરી નાણામંત્રી બનતાં હવે વાપી,પારડીના પડતર પ્રશ્નો ઉકેલાશે.વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર,સીઇટીપી અપગ્રેડેશન,સ્પોટર્સ કોમ્પ્લેક્ષ તથા પારડીમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વિકાસ નકશો, કિલ્લાનું ડેવલોપમેન્ટ સહિતના પ્રોજેકટને વેગ મળી શકે છે.
વાપી અને સંઘ પ્રદેશમાં ઔદ્યોગિક એકમો વધુ હોવાથી શહેરના માર્ગો પર ટ્રાફિક જામનો પ્રશ્ન રહે છે.વર્ષોથી વાપી ટ્રાન્સપોર્ટ એસોશિયેશન દ્વારા ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની માગ કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. એક ખાનગી કંપની ટ્રાન્સપોર્ટ નગર માટે જગ્યા આપશે એવી ચર્ચા ચાલી રહી છે,પરંતુ ચિત્ર સ્પષ્ટ થઇ શકયું નથી ત્યારે હવે પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ નાણામંત્રી બનતાં વાપીના પડતર પ્રશ્નો ઉકેલવાની આશા જાગી છે.
ચૂંટણી પહેલા જ ટ્રાન્સપોર્ટ નગરનો પ્રશ્ન ઉકેલવા કનુભાઇ દેસાઇએ જાહેરાત કરી હતી. જયારે વાપી જીઆઇડીસી વિસ્તારના પ્રશ્નો પણ ઉકેલાશે. વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ ,સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યું હતું કે પારડી એમએલએ નાણામંત્રી બનવાથી મોટા પ્રોજેક્ટોને વેગ મળશે.ટ્રાન્સપોર્ટ નગર, 55 એમએલડીના સીઇટીપીને 70 એમએલડીની મંજૂરી મળશે. જીઆઇડીસીમાં 40 વર્ષ જુની પાણીની વિતરણની જોઇન લાઇન 32 કિ.મી.માં નવી નખાશે.નવી સોલિડ વેસ્ટ સાઇડ પણ ખુલશે. જો કે પારડી પાલિકા વિસ્તારમાં અઢી વર્ષથી અટકેલા પ્રોજેકટોને વેગ મળશે.
વાપી પાલિકા વિસ્તારમાં અધુરા પ્રોજેક્ટો પૂર્ણ થશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વાપી પાલિકા વિસ્તારમાં અનેક પ્રોજેકટોના ખાતમુર્હુત થયા હતાં. અંડર ગ્રાઉન્ડ કેબલિંગ, સબ વે, જે ટાઇપ બ્રિજ, છરવાડા રોડ પર અંડરપાસ,ઓડિટોરિમય સહિતના અધુરા પ્રોજેકટો પૂર્ણ થશે. વર્તમાન શાસકોનું એક વર્ષ પૂર્ણ થઇ ચુક્યું છે, નવા શાસકો આગામી દિવસોમાં કયા નવા પ્રોજેક્ટોની મંજૂરી લાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. નાણામંત્રી વલસાડ જિલ્લાના હોવાથી વાપી પાલિકાના શાસકો પાસે મોટી તક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.