વાપીના ચલામાં એક વિધવા મહિલાને તેના પિતાના મામાના છોકરાએ નજીવી બાબતે શંકા રાખી તમાચો મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. વાપીના ચલા સ્થિત ઝંડાચોક વિસ્તારમાં રહેતી વિધવા બાઇ રૂપાબેન (નામ બદલ્યું છે) ઉ.વ.30ના પતિનું કોરોના કાળમાં મોત નિપજ્યું હતું. શનિવારે રાત્રે તેમના પિતાના મામાનો છોકરો મનીષ રૂપાની મોપેડ લઇ કામ અર્થે ગયો હતો. મળસ્કે ત્રણ વાગે દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી મનીષે રૂપાને જણાવેલ કે, તુ ફોન પર કોની સાથે વાત કરે છે તેમ કહી ગાળો આપી થપ્પડ મારી દેતા તેના પિતાજી અને બહેન ત્યાં દોડી આવ્યા હતા.
જેથી ઇસમે તેઓને પણ થપ્પડ મારતા મામલો ગરમાયો હતો. બનાવ અંગે બલીઠાના રાકેશભાઇને જાણ કરતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આરોપીને સમજાવવા જતા મનીષે તેના ઉપર પથ્થરમારો કરી તેની બાઇકમાં તોડફોડ કરતા ટાઉન પોલીસની મદદ લેવાઇ હતી. ટાઉન પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને બબાલ કરનારા ઇસમને પકડી પાડી પોલીસ મથકે લઇ જવાયો હતો. હાલ પીડિતાએ આપેલ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.