વાપી ટાઉનમાં વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી મોપેડ સવાર બે ઇસમો ફરાર થઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જે બંને ઇસમોને એસઓજીની ટીમે પકડી પાડી તેમની પાસેથી મોપેડ, બે ફોન મળી કુલ રૂ.95,000નો મુદ્દામાલ કબજે લઇ જેના કહેવાથી ચેઇન સ્નેચિંગ કરતા તે આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા એસપીની સૂચનાથી એસઓજી પીઆઇ વી.બી.બારડ અને પીએસઆઇ કે.જે.રાઠોડ તથા એએસઆઇ પ્રવિણકુમાર, પોકો.અરૂણ સીતારામ શનિવારે વાપી વિસ્તારમાં વાહન પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોકો મેહુલકુમાર અને અલ્પેશ ડાંગરને મળેલી બાતમીના આધારે વાપીના ડુંગરા વિસ્તારથી આરોપી રોહીત નગીના આંદબલી યાદવ રહે.ડુંગરા કોલોની તેમજ એક બાળકિશોરને મોપેડ નં.જીજે-15-ડીપી-6586 સાથે પકડી પાડી પુછપરછ કરતા બંનેએ જણાવેલ કે, આરોપી જયસિંહ ઉર્ફે જય હરીરામ કિશોર યાદવ રહે.ડુંગરા કોલોનીના કહેવાથી તેઓ ચેઇન સ્નેચીંગ કરતા હતા. શુક્રવારે રાત્રે વાપી ટાઉનમાં રહેતા 56 વર્ષીય ઉષાબેન અનિલભાઇ લાડના ગળામાંથી ચેઇન ખેંચી ફરાર થવાની કબૂલાત કરતા આગળની તપાસ ટાઉન પોલીસને સોંપાઇ હતી.
મુખ્ય આરોપી 15 ગુનામાં સામેલ
આ કેસમાં વોન્ટેડ આરોપી જયસિંહ ઉર્ફે જય યાદવ ચેઇન સ્નેચિંગ, મોબાઇલ સ્નેચિંગ તથા દારૂના ગુનામાં વાપી ટાઉન, વાપી જીઆઇડીસી, ડુંગરા અને સેલવાસમાં 15 ગુનામાં પકડાઇ ચૂક્યો છે. તેમજ પકડાયેલા બંને આરોપી પાસેથી ચેઇન અને મોબાઇલ સ્નેચિંગ કરાવી પોતે માલ લઇ તેને વેચી દેતો હતો.
પોલીસ ન હોય ત્યાં જ સ્નેચિંગ કરે છે
આરોપી રોહીત યાદવ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને વોન્ટેડ જયસિંહનો મિત્ર હોય રાત્રિના સમયે વૃદ્ધ સ્ત્રીઓ ચાલવા નીકળે ત્યારે ગળામાંથી ચેઇન ખેંચી જે રસ્તા ઉપર પોલીસની હાજરી કે કોઇ ના હોય તે રસ્તે ડુંગરા તરફ ફરાર થઇ જતા હતા. હાલના કેસમાં બંને આરોપીએ દોઢ કલાક સુધી વોચ રાખી ચેઇન સ્નેચીંગ કરી વોન્ટેડ આરોપી જયસિંહને ચેઇન વેચવા માટે આપ્યાની કબૂલાત કરી હતી.
ફાટકથી ફોન ખેંચી 2 ફરાર
શનિવારે રાત્રે 9.45 વાગે આરજીએએસ સ્કૂલની સામે રસ્તા ઉપર મોબાઈલથી વાત કરતા યુવકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બાઈક પર આવેલા બે ઈસમો જકાતનાકા તરફ નાસી છૂટ્યા હતા. જેઓને પકડવા યુવક સ્કૂલથી નવા ફાટક સુધી દોડ્યો હતો પરંતુ તેઓ જોત જોતામાં જ ગાયબ થઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.