હુમલો:વાપીના મોટી તંબાડીમાં હનુમાન જયંતિ પૂર્વે મંદિરના ટ્રસ્ટી અને સભ્યને માર મરાયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમુખી હનુમાન મંદિરના ટ્રસ્ટ મુદ્દે આંતરિક વિખવાદમાં 4 લોકોનો હુમલો

વાપી નજીક મોટી તંબાડી સ્થિત પંચમુખી હનુમાન મંદિરે મંદિરના ટ્રસ્ટી અને સભ્યો વચ્ચે હનુમાન જન્મોત્સવ અંગે ચર્ચા વિચારણા ચાલી રહી હતી. આ પ્રસંગે રાખવામાં આવનાર કાર્યક્રમની ચર્ચા વચ્ચે ગામના ચાર ઇસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને બોલાચાલી કરવા લાગતા તેઓને સમજાવવા પ્રયત્ન હાથ ધરાયો હતો. જોકે આવેશમાં તેમણે ટ્રસ્ટી અને એક સભ્યને ઢીકમુક્કી અને લાકડાથી માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

મોટી તંબાડીમાં રહેતા અને હનુમાન ફળિયા ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિરમાં વર્ષ 2016થી ટ્રસ્ટી તરીકે સેવા આપતા દિલિપભાઇ બાલુભાઇ પટેલએ શુક્રવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવેલ કે, શુક્રવારે સવારે 10 વાગે મંદિર ઉપર તેઓ સભ્ય વિનોદભાઇ, જીગ્નેશભાઇ, મુકેશભાઇ, અમ્રતભાઇ તથા સરપંચ વિનોદભાઇ વારલી અને રમેશભાઇ આહીર સાથે શનિવારે હનુમાનજી જન્મોત્સવના પ્રસંગે રાખવામાં આવનાર કાર્યક્રમ બાબતે પુર્વ તૈયારી તથા વ્યવસ્થા બાબતે વાતચીત કરવા માટે પંચમુખી હનુમાન મંદિરે ગયા હતા. જ્યાં અગાઉથી રામુભાઇ મકનભાઇ પટેલ હાજર હતા.

વાતચીત દરમિયાન ગણેશ શુક્કરભાઇ પટેલ, ગોપાલ શુક્કરભાઇ પટેલ તથા રાજેશ્વરી યોગેશભાઇ ધોડીયા પટેલ ત્યાં આવ્યા હતા. અને વાતચીત દરમિયાન આ ચારેય વ્યક્તિ ટ્રસ્ટી અને સભ્યો સાથે બોલાચાલી કરવા લાગતા તમામને સમજાવવાની કોશિશ કરતા ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરવા લાગ્યા હતા.

જેથી સરપંચ અને અન્ય સભ્યો પણ વચ્ચે પડી તે કરવા ના પાડતા કોઇની વાત ન સાંભળી ફરિયાદી અને સભ્ય મુકેશભાઇ સાથે મારા મારી કરી દિલિપભાઇને તેમણે ઢીકમુક્કીનો માર માર્યો હતો. તે જ સમયે સભ્ય મુકેશભાઇને વાસના લાકડા વડે માર મારતા હાથ અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. તે સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ડુંગરા પોલીસમાં ચારેય ઇસમો સામે ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...