ગરીબ અને શ્રમજીવી તથા જરૂરિયાતમંદની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઊંચા વ્યાજદરે કોઇપણ જાતના લાયસન્સ વિના લોહી ચૂસવાનો અને ત્રાસ આપનારા સામે પોલીસ વિભાગ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં રવિવારે વાપી ટાઉન પોલીસે ત્રણ વ્યાજખોર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના રાધાગોવિંદ હરીબાબુ ખંડેલવાલ હાલમાં વાપીના બલીઠા સ્થિત માધવ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે અને કબ્રસ્તાન માર્ગ ઉપર બ્રિજવાસી સ્વીટ એન્ડ કેટરર્સ નામે ચા, નાસ્તો અને મીઠાઇની દુકાન ચલાવે છે.
દોઢ વર્ષ અગાઉ ફરિયાદી રાધાગોવિંદના પિતા હરીબાબુ ખંડેલવાલે કબ્રસ્તાન માર્ગ સ્થિત એપલ પાર્કમાં પાંચ દુકાન વેચાણે લીધી હતી. જેમાં ત્રણ દુકાન પિતા અને બે દુકાન પુત્રના નામે દસ્તાવેજ કરાવી હતી. જોકે, 11 માસ અગાઉ હરીબાબુ ખંડેલવાલને વતનમાં જમીન ખરીદી કરવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી આઝાદ શટર નજીક વિરાણી એપાર્ટમેન્ટમાં રહેતા મુરાદભાઇના રેફરન્સથી રફીક મેદાવ પાસેથી 4 લાખ અને 6 લાખ રૂપિયા ચાર ટકાના માસિક વ્યાજે લીધા હતા.
જોકે, વ્યાજની રકમની સામે રફીકે હરીબાબુ પાસેતી પાંચેય દુકાનના કાગળો લઇને દુકાનનો એગ્રીમેનટ પણ લખાવી લીધો હતો. હરીબાબુ દર મહીને 42, 500 રૂપિયા વ્યાજ પેટે ચુકવતા હતા. આ ઉપરાંત હનીફભાઇ પાસેથી પણ 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, 3 લાખ પૈકી 2 લાખ રૂપિયા પરત પણ કરી દીધા હતા. જેનું દર મહિને 9 હજાર વ્યાજ ચુકવતા હતા. લાંબા સમય સુધી હરીબાબુએ વ્યાજખોરોને દર મહિને વ્યાજની રકમ ચુકવી હતી. જોકે, કેટલાક સમયથી ધંધો સારો ન ચાલતા વ્યાજ ચુકવી શક્યા ન હતા. જેને લઇને વ્યાજખોરોએ તેમની દુકાનને તાળા મારી દીધેલા હતા.
આરોપી રફીક મેદાવ, મહમદ હનીફ તથા હસન સમાદની વારંવાર ધરે આવીને ઉઘરાણી કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. વ્યાજખોરોની ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને 3જી નવેમ્બરના રોજ વેપારી હરીબાબુ ધરમાં કોઇને પણ જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગયા હતા. વેપારી ચાલી જવા છતાં પણ આરોપી રફીક મેદાવ રહે. સાગર બંગલો, કબ્રસ્તાન માર્ગ, મહમદ હનીફ રહે. એ વિંગ - સત્યુધામ એપાર્ટમેન્ટ અને હસન સમદાની સામે વાપી ટાઉન પોલીસે વ્યાજની ઉઘરાણી કરવા બદલ ધમકી ગુનો નોંધ્યો છે.
વ્યાજ ખોરોની ગુપ્ત માહિતી આપો- Dysp
સોમવારે પારડી પોલીસ મથકે શાકભાજી,ફ્રૂટ કે પછી લારી ગલ્લાં પાથરણાં તેમજ નાના મોટા વેપારીઓ સાથે DYSP એ. કે વર્માની ઉપસ્થિતિમાં પી.આઈ મયુર પટેલ, પી.એસ.આઈ એ.ડી.ડોડીયાની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં પારડીના 100થી વધુ નાના મોટા વેપારીઓ હાજર રહ્યા હતા.જેમાં ડીવાયએસપીએ ઉંચા વ્યાજની વસૂલાત કરના અંગે પોલીસને પત્ર દ્વારા અથવા રૂબરૂમાં જાણ કરવા અપીલ કરી આવા લોકો સામે ચોક્કસ કાર્યવાહી કરાશુંનું જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.