ફરિયાદ:માતા અને પિતા પાસેથી પૈસા લઇ આવ કહી વાપીની મહિલાને ત્રાસ

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવા માટે રૂપિયા ન આપી ત્રાસ આપતા સાસરિયા સામે FIR

વાપી ચણોદમાં રહેતી મહિલાએ વર્ષ 2012માં નડિયાદ ખાતે રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. મહિલાને લગ્ન પહેલાથી ડાયાબિટીસની બીમારી હોવાથી પતિ પાસેથી દવા માટે રૂપિયા માંગતા માતા-પિતા પાસેથી પૈસા લઇ આવ તેમ કહી તેને સાસુ-સસરા અને પતિ ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને તે વાપીમાં માતા-પિતા પાસે આવી ગઇ હતી અને સાસરિયા પક્ષ સામે પોલીસમાં ફરિયાદ કરતા આગળની તપાસ હાથ ધરાઇ છે.

વાપીના ચણોદ વિસ્તારમાં રહેતી પ્રિયંકાબેન (નામ બદલ્યું છે) ઉ.વ.30 ના લગ્ન વર્ષ 2012માં જિલ્લા ખેડા નડિયાદના અંધારી આમલી રોહિતવાસ સિધ્ધેશ્વર મહાદેવની પાછળ સોડપુર ખાતે રહેતા અશોક ખુશાલ રાઠોડ સાથે થયા હતા. લગ્ન પહેલા પ્રિયંકાબેનના પરિવારે તેને ડાયાબિટીસની બીમારી અંગે સાસરિયા પક્ષને જાણ કરી દીધી હતી. થોડા સમય બાદ પતિ અશોક દારૂનો નશો કરી જુગાર રમતા હોવાની જાણ થતા તે માટે ના પાડતા ગુસ્સામાં પતિએ તેને માર માર્યો હતો. તે બાદ સાસુ સવિતાબેન તથા સસરા ખુશાલભાઇએ પ્રિયંકાને જણાવેલ કે, તારે છોકરા ન થવા જોઇએ, કેમ કે તને ડાયાબીટીસ છે અને છોકરા પણ ડાયાબીટીસ વાળા જ થશે. પણ ઇચ્છા હોવાથી ત્રણ વર્ષ બાદ તેને એક બાબો આવ્યો હતો જે આજે 6 વર્ષનો છે. ડાયાબીટીસ હોવાથી દર મહિને દવા માટે રૂપિયા માંગતા પતિ, સાસુ,સસરા કહેતા કે તારા પિતાજીએ તને દહેજમાં કોઇ રોકડ રકમ કે દર દાગીના આપેલ નથી. જેથી દવા કરાવવી હોય તો પિતા પાસેથી પૈસા લાવવા પડશે. જમવા અને કામ બાબતે અવરનવર નજીવી બાબતે મેણા ટોણા આપી શારીરિક અને માનસિક ત્રાસ આપી રૂપિયાની માંગણી કરી ઘરથી કાઢી મૂકતા હતા. 31 ઓક્ટોબરે દિવાળી મનાવવાના બહાને હેમખેમ પ્રિયંકા વાપી આવી હતી અને ત્રણેય સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પતિ આત્મહત્યા કરવાની ધમકી આપતો
અવારનવાર ત્રાસ છતાં પ્રિયંકા સાસરે 9 વર્ષ સુધી રહી હતી. ત્યારબાદ સમાજના માણસો વચ્ચે બાંહેધરી પત્રક લખાવી દર મહિને 10,000 આપવાનું નક્કી કરવા છતાં આજ સુધી તેમણે રૂપિયા આપ્યા નથી. પતિ તેને ઘરથી બહાર પણ જવા દેતો ન હતો અને વારંવાર આત્મહત્યા કરી લઇશ એવી ધમકી આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...