તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:વાપી શહેરને અડીને આવેલા 5 ગામોમાં કચરા નિકાલની ડમ્પિંગ માટે જગ્યા નથી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારને રજૂઆતો છતાં જગ્યાની ફાળવણી ન કરાતા આક્રોશ

વાપી શહેરને અડીને આવેલાં ગામોમાં જીઆઇડીસીના કારણે સતત વસ્તી વધી રહી છે. પાલિકા વિસ્તાર નજીક આવેલા ગામોનો કચરાનો નિકાલ પાલિકાની ડમ્પિંગ સાઈટ પર થતો હતો, પરંતુ પાલિકા દ્વારા એનજીટીની ગાઇડલાઇન મુજબ ડમ્પિંગ સાઈટને વિકસાવી રહી છે. જેથી પંચાયતોનો કચરો લેવાનું બંધ કરી દીધુ છે.

જેની સીધી અસર હવે વાપી શહેરને અડીને આવેલાં ચણોદ, બલીઠા, છરવાડા, રાતા, કોચરવા સહિતના ગામોમાં જોવા મળી રહી છે. વાપીને અડીને આવેલાં 5 ગામોમાં 2 લાખથી વધુ વસ્તી હોવા છતાં પણ ડમ્પિંગ સાઈટનો અભાવ છે. ડમ્પિંગ સાઈટ માટે જગ્યાની ફાળવણી ન કરાતાં કચરાનો નિકાલનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. સરપંચોની રજૂઆતો માત્રને માત્ર કાગળ પર જોવા મળી રહી છે.

હવે અમે જગ્યાની ફાળવણીની આશા પણ છોડી દીધી છે
ડમ્પિંગ સાઈટ માટે જગ્યા આપવા તાલુકા પંચાયતથી લઇ કલેકટર સુધી રજૂઆતો કરવામાં આવી છે,આમ છતાં હજુ સુધી અમારા પ્રશ્નને ધ્યાને લેવાયો નથી. અનેક રજૂઆતો બાદ પણ ડમ્પિંગ સાઈટ માટે જગ્યા ન ફાળવતાં હવે પ્રશ્ન ઉકેલાઇ તેવી આશા પણ છોડી દીધી છે. ડમ્પિંગ સાઈટનો પ્રશ્ન ગંભીર છે. છતાં ઉકેલ આવતો નથી. -યોગેશ પટેલ,ઇન્ચાર્જ સરપંચ,છરવાડા

ભાડુ ખર્ચીને કચરાનો નિકાલ
અમારા ગામમાં ડમ્પિંગ સાઇડ માટે સરકારમાં અનેક રજૂઆતો થઇ છે. જગ્યા ન મળતાં ભાડેથી જગ્યા લઇ કચરાનો નિકાલ કરવામાં આવે છે. બલીઠામાં હાલ ડમ્પિંગ સાઇડ માટે જગ્યા નથી. જેથી જીઆઇડીસી કે પાલિકા વિસ્તારમાં ડમ્પિંગ સાઇડ માટે જગ્યા ફાળવામાં આવે તો રાહત થઇ શકે તેમ છે. - મનિષ પટેલ,સરપંચ,બલીઠા

સંકલનની બેઠકમાં 2 વાર રજૂઆત કરી
વાપીને અડીને આવેલાં ગામોમાં વસ્તી વધવાની સાથે સુવિધાઓ વધી રહી છે, પરંતુ ડમ્પિંગ સાઇડ માટે જગ્યાનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે. આગામી સમયમાં આ પ્રશ્ન ઉગ્ર બનશે. તાલુકા સંકલનની બેઠકમાં બે વખત રજૂઆતો પણ કરી છે. પંચાયતોની રજૂઆતોને ધ્યાને લેવી જોઇએ. - મિતેશ પટેલ,સભ્ય ,જિલ્લા પંચાયત સભ્ય, છરવાડા

ત્રણ દિવસથી કચરો લેવાનું બંધ કર્યુ છે પાલિકાએ કચરો લેવાનું બંધ કર્યુ છે. ભાડેથી રાખેલી જગ્યામાં પણ કચરો લેવાનું બંધ કરાયુ છે. ત્રણ દિવસથી કચરાનો નિકાલ થતો નથી. આ મુદે મુખ્યમંત્રી,મંત્રી રમણલાલ પાટકર, કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓને રજૂઆત કરી છે. આમ છતાં ડમ્પિંગ સાઇડ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી નથી. ડમ્પિંગ સાઇડનો પ્રશ્ન ઉગ્ર બન્યો છે. - જીતેન્દ્ર માયાવંશી, સરપંચ,ચણોદ

અન્ય સમાચારો પણ છે...