તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપોઝ:ભીલાડની ક્લિનીકમાં તબીબ જ નથી!, ધોરણ 12માં અભ્યાસ કરતા 18 વર્ષીય યુવક અને યુવતી સારવાર આપી રહ્યાં છે

વાપી, ભીલાડ17 દિવસ પહેલાલેખક: અક્ષય ગુપ્તા
  • કૉપી લિંક
દર્દીને પાટાપિંડી કરતો યુવક, ક્લીનીકમાં મહિલાને બોટલ ચઢાવી બહાર બેસેલી યુવતી - Divya Bhaskar
દર્દીને પાટાપિંડી કરતો યુવક, ક્લીનીકમાં મહિલાને બોટલ ચઢાવી બહાર બેસેલી યુવતી
  • સેલવાસના તબીબ ભીલાડ- ઉમરગામમાં કોઈપણ જાતના તબીબી શિક્ષણ વિનાના માણસો રાખી ક્લીનીક ચલાવે છે
  • આયુર્વેદિક ક્લીનીકમાં પેરામેડિકલ કે કોઇ પણ તબીબી જ્ઞાન વિના દર્દીઓને બિન્દાસ્ત અપાઈ રહ્યા છે ઇંજેક્શન-બોટલો
  • દર્દીની જીંદગી સાથે રમત: ભીલાડ ચાર રસ્તા સ્થિત આયશા ક્લીનીક દર્દીઓ છાત્રો રૂપી ભગવાનના ભરોસે !

ચારરસ્તા પાસે આવેલ એક ક્લીનીકમાં ભાસ્કરે સ્ટીંગ કરતા મહિલા દર્દીને એક 18 વર્ષીય યુવતી ગ્લુકોઝ ચઢાવતા નજરે ચઢી હતી. જ્યારે આ જ ક્લીનીકમાં એક યુવક દર્દીઓને પાટાપિંડી કરતા નજરે ચઢ્યો હતો. ક્લીનિકના ડોક્ટર સાહેબ સેલવાસમાં પ્રેકિટસ કરે છે અને કેટલાક દિવસથી તેઓ આ ક્લીનિક ઉપર ફરક્યા પણ ન હોવાનું જાણવા મળ્યું હતું.

સેલવાસના ડૉ. જનક ત્રિવેદી બાવિસા ફળિયામાં ક્લીનીક ચલાવે છે. તે સિવાય ભીલાડ ચાર રસ્તા અને ઉમરગામ ગાંધીવાડી ખાતે પણ તેમની બે ક્લીનીક આવેલી છે. જ્યાં ભાસ્કરની ટીમે 10 દિવસ સુધી વૉચ રાખતા આ ક્લીનીક સ્કૂલના વિદ્યાર્થીઓ જ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. જે માસૂમ દર્દીઓ માટે ખતરાનું સિગ્નલ બતાવી રહ્યો હોય તેમ છે. એક તરફ આરોગ્ય વિભાગ ઝોલાછાપ તબીબોના ક્લીનીક ઉપર છાપામારી કરી તેઓ સામે કડક પગલા ભરી રહી છે. તો બીજી તરફ કેટલાક તબીબો પોતાની ડિગ્રીના નામે બોર્ડ બનાવી ઝોલાછાપ ઇસમોને ક્લીનીક ચલાવવા આપી દે છે અને તેના કારણે અવારનવાર ઘણાં દર્દીઓ મોતને ભેંટતા હોય છે. આવો જ ખેલ ઉમરગામ તાલુકાના ભીલાડ વિસ્તારમાં થઇ રહ્યો છે.

દર્દીને પાટાપિંડી કરતો યુવક
દર્દીને પાટાપિંડી કરતો યુવક

ભીલાડ ચારરસ્તા નજીક સેલવાસ તરફ જતા રોડ ઉપર આયશા ક્લીનીકના નામે ચાલતી ક્લીનીકમાં ભાસ્કરની ટીમે સ્ટીંગ કરતા એક 18 વર્ષીય યુવતી અંદર જોવા મળી હતી. તે અંદર શું કરી રહી છે પૂછતા તેણે જણાવેલ કે, અંદર તે દર્દીઓને ઇંજેક્શન મારે છે અને ગ્લુકોઝની બોટલો ચઢાવે છે. જે માટે તેની પાસે કોઇ ડિગ્રી છે કે કેમ તે પૂછતા તેણે જણાવેલ કે, તે પોતે મુંબઇમાં 11 ધોરણ પાસ કરીને આવી છે અને 12માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. ભીલાડની આ ક્લીનીકમાં તે જોબ પર લાગી છે અને તેને ઇંજેક્શન મારવાથી લઇ તમામ તબીબી સેવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે તેમ તેના તબીબે જણાવ્યું છે.

ક્લિનિકમાં મહિલાને બોટલ ચઢાવી બહાર બેઠેલી યુવતી
ક્લિનિકમાં મહિલાને બોટલ ચઢાવી બહાર બેઠેલી યુવતી

ક્લીનીકની અંદર જતા એક મહિલા દર્દી ગ્લુકોઝની બોટલ લેતા નજરે ચઢી હતી. જ્યારે અંદર અનેક ઇંજેક્શનો પણ જોવા મળ્યા હતા. જે અંગે તપાસ કરતા આયશા ક્લીનીકનો ડોક્ટર છેલ્લા કેટલાક દિવસથી ત્યાં આવતા ન હોવાનું જાણવા મળ્યું હતું. ક્લીનીકમાં યુવકની ઉંમર 18 હોવાની ચર્ચા છે.

તબીબ ક્લીનીક પર આવતા નથી
સેલવાસના બાવીસા ફળિયામાં રહેતા અને ત્યાં જ ક્લીનીક ધરાવતા ડો.જનક પી. ત્રિવેદીની ભીલાડ ચારરસ્તા સહિત ઉમરગામ ગાંધીવાડીમાં પણ એક ક્લીનીક છે. ક્લીનીકમાં દર્શાવેલ સમય પ્રમાણે તબીબ ક્લીનીક ઉપર પહોંચી શકે તેમ નથી. જેથી યુવક અને યુવતી ક્લિનિક ચલાવી રહ્યા છે.

આયુર્વેદની ડિગ્રી, એલોપેથી દવા
ડો.જનક પી.ત્રિવેદી બીએસએએમ એટલે કે બેચલર ઇન શુદ્ધ આયુર્વેદિક મેડિસિનની ડિગ્રી ધરાવે છે. તે છતાં ક્લીનીકમાં પ્રવેશ કરતા અંદર એલોપેથી દવાઓનો ભંડાર જોવા મળ્યો હતો. જ્યારે આવી ડિગ્રી ધરાવતા તબીબો ઇંજેક્શન કે બોટલો ચઢાવી ન શકે તેમ જાણવા છતાં ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી આ કામ પણ અંદર કરાય છે.

બોગસ લોકોને ક્લીનીક ભાડે અપાય છે
જિલ્લાના એક પ્રતિષ્ઠિત તબીબથી વાત કરતા જાણવા મળ્યું હતું કે, કેટલાક તબીબો પોતાની ડિગ્રીનો દુરૂપયોગ કરી રહ્યા છે. આશરે સાત હજાર રૂપિયાથી લઇને 15 હજાર રૂપિયા સુધીમાં ક્લીનીક ચાલુ કરીને અન્ય ઇસમોને ભાડે આપી મસમોટી રકમ વસૂલાય છે. આ કૌભાંડમાં જિલ્લાના એક પ્રતિષ્ઠિત તબીબ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

હું પણ પત્રકાર છું

હું પણ 2થી 3 અખબારમાં પત્રકાર છું. છોકરી ઇંજેક્શન આપે છે અને ગ્લુકોઝ ચઢાવે છે તે ખોટું છે. હું આવતી કાલે જ આ છોકરીને નોકરી ઉપરથી કાઢી દઇશ. અને હવે રોજ ક્લીનીક ઉપર જઇશ. - ડો.જનક પી.ત્રિવેદી, આયશા ક્લીનીક

અન્ય સમાચારો પણ છે...