ધરપકડ:દમણના પ્રિન્સિપલની હત્યા કરનાર ગામનો પ્રથમ MBA ડીગ્રી ધારક

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી સાવન પટેલ - Divya Bhaskar
આરોપી સાવન પટેલ
  • નર્સિંગ કોલેજની મહિલા પ્રિન્સિપલે ઉપરથી પ્રેશર હોવાનું જણાવી સોમવારે રૂપિયા ભરી દઇ રીપોર્ટ કરવાનું કહેતા મામલો હત્યા સુધી પહોંચ્યો

દમણ નર્સિગ કોલેજના 45 વર્ષીય મહિલા આચાર્યની હત્યા કરીને લાશને કારમાં જ અવાવરૂં સ્થળે સળગાવી દેવામાં કોલેજના એકાઉન્ટન્ટની રવિવારે પોલીસે ધરપકડ કરી છે. જોકે, મોટીદમણના પટલારામાં રહેતા યુવકે હત્યાની પોલીસ સમક્ષ કબુલાત કરતા ગામલોકો માટે આ વાત ગળે ઉતરતી નથી. સેલવાસ ટોકરખાડામાં મેડિકલ કેમ્પસના સ્ટાફ કવાર્ટસમાં રહેતા અને દમણ નર્સિગ કોલેજના પ્રિન્સિપલ કનીમોઝહી અર્નૂગમ સોમવારે ગુમ થયા બાદ રવિવારે તેમની લાશ દમણ-ગુજરાત બોર્ડરના તરક પારડી ગામેથી મળી હતી.

કનીમોઝહીના ગુમ થયા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં નર્સીગ કોલેજમાં જ એકાઉન્ટન્ટની નોકરી કરતા 26 વર્ષના સાવન પટેલ (પટલારા) એ હત્યા કરી હોવાનું કબુલાત કરતા રવિવારે તરકપારડીના એકાંત અને જંગલ વિસ્તારમાં કાર સાથે સળગાવી દીધેલી આચાર્યની લાશના કેટલાક અવશેષો પોલીસને હાથ લાગ્યા હતા.\nસેલવાસ પોલીસની તપાસમાં સાવન પટેલે કોલેજમાં મેસ અને વિદ્યાર્થિની ફીમાં ગોબાચારી કરીને લાખો રૂપિયાનો ઘોટાળો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

સાવન પટેલને કોલેજના ફંડ અને પ્રવેશ ફીમાં ગેરરીતિ કરીને લાખો રૂપિયાનો ઘોટાળો કર્યો હોવાથી આચાર્યા કનીમોઝહી અર્નૂગમે કહ્યું હતું કે, ઉપરથી પ્રેશર વધારે છે જેથી સોમવારે રૂપિયા ભરીને તાત્કાલિક રીપોર્ટ કરી દેવો એવું કહ્યું હતું. રૂપિયા ભરવા અને કાર્યવાહી કરવાની વાતથી સાવન પટેલે હત્યાની યોજના બનાવી કાઢી હતી. જોકે, સાવન પટેલના ઉપર હત્યાનો આરોપસર ધરપકડ કરાતા ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપી સાવન પટેલ પટલારા ગામનો એમબીએ ડીગ્રિ મેળવનાર પ્રથમ યુવક હતો.

અપહરણ હત્યામાં એક કરતા વધુ આરોપીની સંડોવણીની આશંકા
પોલીસના જણાવ્યા મુજબ ફોર્ટ એરિયામાં સાવન પટેલ કારમાં બેસી ગયો હતો. પોલીસે હજી એ ખુલાસો કરી શકી નથી કે આરોપીએ 45 વર્ષીય આચાર્યની હત્યા કેવી રીતે કરી ? કારમાં મહિલાની હત્યા એક માણસ કરી શકે એવી શક્યતા બહુ ઓછી રહેતી હોય છે. આ સમગ્ર પ્રકરણમાં માત્ર સાવન જ નહિં પરંતુ બીજા બે આરોપી પણ હોવાની આશંકાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

નર્સિગ કોલેજના પ્રિન્સિપલની હત્યામાં અનેક રહસ્યો અકબંધ
નર્સિગ કોલેજમાં રૂપિયાની ગેરરીતિના મુદ્દે મામલો છેક હત્યા સુધી પહોંચી ગયો જોકે, પોલીસે કેટલા રૂપિયાનો ઘોટાળો થયો એનો ખુલાસો હજી કર્યો નથી. સોમવારે ગુમ થયાના 6 દિવસ પછી સમગ્ર મામલો પ્રકાશમાં આવવો. સેલવાસની સાથે દમણ પોલીસ પણ આ કેસમાં અલગ એંગલથી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...