BCCI દ્વારા આયોજિત રણજી ટ્રોફી 2022-23 માટે ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા દમણના હેમાંગ પટેલની પસંદગી કરવામાં આવી છે. પ્રાપ્ત સુત્રોમાંથી જાણવા મળેલ છે કે વલસાડના સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત અને પંજાબ વચ્ચે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં ગુજરાતની હારના કારણે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને ત્રણ ખેલાડીઓમાં ફેરફાર કર્યા હતા જેની હેમાંગ પટેલની પસંદગી કરવામાં આવી છે.
હેમાંગ પટેલ મધ્યપ્રદેશની ગુજરાત રણજી ટ્રોફી ટીમ સાથે જોડાયો છે અને તે મધ્યપ્રદેશ સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કરી શકે છે.હેમાંગના કોચ ભગુ પટેલે જણાવ્યું હતું કે હેમાંગ એક સારો અને ઉમદા ઓલરાઉન્ડર ખેલાડી છે. જેઓ ગુજરાત રાજ્યની ટીમ તરફથી હેમાંગ અંડર 14, 16, 19, 23, 25, વિજય હજારે ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમી ચૂક્યા છે. અને હવે તેને રણજી ટ્રોફીમાં રમવાનો લહાવો મળ્યો છે. ક્રિકેટ કોચ ભગુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હેમાંગ ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિયેશને તેના પર મૂકેલા વિશ્વાસને પૂર્ણ કરશે અને ગુજરાતની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
હેમાંગની પસંદગી થતા સમગ્ર દમણના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને હેમાંગને પ્રદેશના રમતગમત સચિવ અંકિતા આનંદ, રમતગમત નિયામક અરૂણ ગુપ્તા, મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી અક્ષય કોટલવાર, તાલુકા રમતગમત સંયોજક દેવરાજસિંહ રાઠોડ અને ક્રિકેટ કોચ ભગુ પટેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. સારી રમત રમીને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.