પ્રમોશન:ધો.11ના વર્ગો વધારવાની માહિતી શાળાએ ન પહોંચાડતા અવઢવ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરાતને 22 દિવસ પછી પણ શિક્ષણ વિભાગ પાસે વર્ગો વધારવાનો ડેટા હજુ સુધી નથી
  • વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વર્ગ વધારવા સિવાય વિકલ્પ નથી

વલસાડ જિલ્લામાંથી ધો-10ના 17205 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતાં ધો.11માં પ્રવેશ મેળવશે. વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ પાસે ધો.11ના વર્ગો વધારવા શાળાઓ પાસે માહિતી માગી છે, પરંતુ માસ પ્રમોશનની જાહેરાતના 22 દિવસ બાદ પણ શિક્ષણ વિભાગ પાસે કેટલા વર્ગો વધારવાની જરૂર છે તેની માહિતી હજુ સુધી આવી નથી. જેથી જિલ્લામાં ધો.11ના વર્ગો વધારવાની પ્રક્રિયા અટકી છે.

વલસાડ જિલ્લાના ધો.10ના 17205 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યુ છે. દર વર્ષે ધો.10નું સરેરાશ 62 ટકા પરિણામ આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે તમામને પાસ કરાતાં ધો.11માં પ્રવેશ સમસ્યાનો પ્રશ્ન વિકટ બન્યો છે. માસ પ્રમોશનની જાહેરાત બાદ વલસાડ શિક્ષણ વિભાગ પાસે ધો.11માં વર્ગો વધારવા અંગે શાળાઓ પાસે માહિતી માગી હતી. માસ પ્રમોશનની સરકારની જાહેરાતને 22 દિવસ થઇ ચુકયા છે. આમ છતાં વલસાડ જિલ્લામાં ધો.11ના કેટલા વધુ વર્ગો જરૂર છે તેની દરખાસ્ત સરકારમાં થઇ શકી નથી.

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કે.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે શાળાઓ પાસે માહિતી માગી છે. હજુ માહિતી આવી નથી. આમ શાળાઓએ વર્ગો વધારવા અંગેની માહિતી ન મોકલતાં ધો.11માં પ્રવેશકાર્યમાં વિલંબ થવાની સંભાવના છે. જો કે ધો.9થી 10ની શાળાઓની સંખ્યા વધુ છે. જયારે ધો.11 અને 12ની શાળાઓની ઓછી છે. જેથી પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી થઇ રહી છે. શાળા પ્રપોઝલ મોકલાવ્યા બાદ શિક્ષણ વિભાગ જરૂરી નિર્ણય લેશે.

અંદાજે 110થી વધુ નવા વર્ગો શરૂ કરવાની જરૂરિયાત
વાપીના શિક્ષણવિદના જણાવ્યાં મુજબ 17205 વિદ્યાર્થીઓ સામે શાળાઓની સંખ્યા અંદાજે 200 છે. જેથી 6 હજાર વિદ્યાર્થીઓને સમાવવા 110 વર્ગો વધારવા પડે તેવી સ્થિતિ છે. જો કે શાળાઓ પ્રથમ પોતાના શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ આપશે.જેથી ધો.10 સુધીની શાળાઓના વિદ્યાર્થીઓને ઝડપથી પ્રવેશ મળશે નહિં. વર્ગો વધારવામા આવે તો રાહત થઇ શકે તેમ છે.

ધો.11નું પ્રવેશકાર્ય જુલાઇ માસમાં વિધિવત શરૂ થશે
વલસાડ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ધો.10ના વિદ્યાર્થીઓને 17 જુન સુધીમાં ગુણ આપવા તાકીદ કરાઇ છે. હાલ શાળાઓ કામગીરી કરી રહી છે. શિક્ષણ વિભાગની ટીમો શાળાઓમાં જઇ ચકાસણી કરી રહી છે. પ્રમાણપત્ર બન્યા બાદ ધો.11માં પ્રવેશકાર્ય શરૂ થશે. એટલે કે જુલાઇમાં ધો.11નું પ્રવેશકાર્ય વિધિવત શરૂ થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી પ્રવેશકાર્યમાં થોડી મુશ્કેલી ઊભી થશે.

અન્ય સમાચારો પણ છે...