પંચાયત સંગ્રામ:ઔદ્યોગિક નગરી વાપી સંલગ્ન પાંચ ગામોમાં વસ્તી 1.70 લાખ પરંતુ મતદારો માત્ર 20 ટકા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 ડિસેમ્બરે ચૂંટણી, વસવાટ વાપી હોવા છતાં મતદાર યાદીમાં નામો UP, બિહાર, છત્તીસગઢ સહિતના રાજ્યમાં બોલી રહ્યાં છે
  • વાપીની 22 પંચાયતોની ચૂંટણીમાં વર્ષોથી સ્થાયી થયેલા હજારો લોકો મતદારયાદીમાં નામ ન હોવાથી મતદાન નહિ કરી શકે

ઔદ્યોગિક નગરી વાપી તથા આજુબાજુના વિસ્તારનો છેલ્લા થોડા વર્ષોમાં િકાસ થયો છે. જીઆઇડીસીના કારણે વાપી શહેરને અડીને આવેલાં ગામોમાં વસ્તીનો સતત વધારો થયો છે. ત્યારે વાપી જીઆઇડીસી સંલગ્ન 5 ગામોની હાલની વસ્તી 1.70 લાખથી વધુ પર પહોંચી છે, પરંતુ 19 ડિસેમ્બરે યોજાનાર પંચાયતની ચૂંટણી માટે આ 5 ગામોમાં 1.70 લાખ વસ્તીના 20 ટકા મતદારો જ ભાગ લેશે.

કારણ કે મોટા ભાગના શ્રમિકોનું પોતાના વતન ઉત્તરપ્રદેશ,બિહાર,છત્તીસગઢ,મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની મતદારયાદીમાં નામ બોલે છે. વર્ષોથી અહી સ્થાયી હોવા છતાં પણ શ્રમિકો કે રહેવાસી મતદારયાદીમાં નામ કમી કરાવી શક્યા નથી. પરિણામે મત્તદાધિકારનો ઉપયોગ કરી શક્તા નથી. જો કે હજુ સુધી 2021ની વસ્તીની આંકડા જાહેર થયા નથી,પરંતુ વાપી સંલગ્ન ગામોમાં જીઆઇડીસીના કારણે સૌથી વધુ વસ્તીમાં વધારો થયો છે.

વાપીના 5 ગામોના મતદારો- વસ્તી

પંચાયતહાલ મતદારો2011વસ્તી2021ની વસ્તી
ચણોદ153411877650000
છીરી82051882935000
છરવાડા6613880630000
બલીઠા65421230025000
લવાછા3730850030000

22 પંચાયતોમાં 80437 મતદારો નોંધાયેલા છે
વાપીના 22 ગામોની વસ્તી છેલ્લા 10 વર્ષમાં ખુબ જ વધારો થયો છે,પરંતુ મોટા ભાગના ગામોમાં અન્ય રાજયના લોકો આવીને વસવાટ કરે છે. જેમની ડોક્યુમેન્ટના અભાવે નોંધણી થતી નથી. 19 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં વાપીની 22 પંચાયતના કુલ 80437 મતદારો ભાગ લેશે. જેમાં પુરૂષ મતદારો 44260 તથા સ્ત્રી મતદારો 36177નો સમાવેશ થાય છે. જો કે કુલ વસ્તીના 20 ટકા મતદારો મતદાન કરશે.

વાપી શહેર,નોટિફાઇડની વસ્તીમાં અધધ.. વધારો
વાપી પાલિકા વિસ્તારમાં વર્ષ 2011માં 163630 વસ્તી હતી,પરંતુ છેલ્લા 9 થી 10 વર્ષમાં વિકાસની સાથે વસ્તીમાં પણ વધારો થયો છે.પાલિકાએ વર્ષ 2021માં કુલ 2.49 લાખની વસ્તી થશે, 10 વર્ષમાં 85370ની વસ્તીમાં વધારો થવાનો અંદાજ છે. નોટિફાઇડની વર્ષ 2011માં 34168 વસ્તી હતી.10 વર્ષ બાદ આ વસ્તી ડબલ થવાનો અંદાજ હોવાનું અધિકારી જણાવી રહ્યાં છે. એટલે કે 2021માં નોટિફાઇડની વસ્તી 65થી 70 હજાર જેટલી થશે.

ચૂંટણી સમયે બોગસ મતદાનનો મુદો ઉઠે છે
વાપી તાલુકાના અનેક ગામોમાં અન્ય રાજ્યના લોકો વસવાટ કરી રહ્યાં છે. કેટલાક જાગૃત શ્રમિક પરિવારોએ વતનમાંથી નામો કમી કરાવ્યાં છે, પરંતુ મોટા ભાગના અન્ય રાજ્યના લોકોએ નામો કમી કરાવ્યાં નથી. પરિણામે મતદાર યાદીમાં નામ ન હોવાથી ચૂંટણી સમયે જનપ્રતિનિધિઓના આગ્રહના કારણે બોગસ મતદાન માટે આગળ આવતાં હોય છે. વાપી તાલુકાની મોટા ભાગની ચૂંટણીમાં બોગસ મતદાનનો મુદો ઉઠે છે.

દમણ-સેલવાસના શ્રમિકો, ઘર વાપી તાલુકામાં
વાપી શહેરને અડીને આવેલાં સંઘપ્રદેશ દાનહ-દમણમાં પણ ઔદ્યોગિક એકમોની સંખ્યા વધુ છે. અહી કામ કરતાં અનેક શ્રમિકોના પરિવારો વાપી તાલુકામાં રહે છે. જયારે શ્રમિકો કામ દમણ અને સેલવાસમાં કરે છે. પરિણામે વાપી તાલુકામાં વસ્તી વધી રહી છે. આ તમામ શ્રમિકોના પરિવાજનનોની નોંધણી વાપી તાલુકામાં કરવામાં આવે તો વસ્તીમાં હજુ વધારો જોવા મળશે. વાપીમાં દરેક પ્રાંતના લોકો વસવાટ કરી રહ્યાં છે.

સૌથી વધુ માઇગ્રન્ટ વસ્તી વાપી તાલુકામાં
​​​​​​​રાજ્યમાં વલસાડ, ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ઉદ્યોગો આવેલાં છે. જેના કારણે અન્ય રાજ્યના શ્રમિકો અહી આવીને સ્થાયી થયાં છે. ખાસ કરીને વાપી, સરીગામ, ઉમરગામ વિસ્તારમાં માઇગ્રન્ટ વસ્તી વધુ છે. નિષ્ણાતોના મતે રાજ્યમાં સૌથી વધુ માઇગ્રન્ટ વસ્તી વાપી તાલુકામાં આવેલી છે.ૈ

અન્ય સમાચારો પણ છે...