તપાસ:વાપી ફાટકે 3 વર્ષની પુત્રી સાથે આપઘાત કરનારી માતાની હજી ઓળખ ન થઇ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 ડિસેમ્બરે ગુડ્સ ટ્રેનની નીચે પડતું મુકતા બંનેના મોત થયા હતા

વાપી જૂના રેલવે ફાટક નજીક 10 ડિસેમ્બરે સાંજે અંદાજે 30 વર્ષની મહિલાએ પોતાની ત્રણ વર્ષની બાળકી સાથે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કર્યો હતો. જોકે, મૃતક મહિલા અને તેમની બાળકીની હજી સુધી ઓળખ ન થઇ શકતા આખરે રેલવેએ માતા પુત્રીની અંતિમવિધી આટોપી હતી.

મુંબઇ તરફથી આવી રહેલી માલગાડી ટ્રેનના લોકો પાયલોટે ગત 10 મી ડિસેમ્બર શુક્રવારે સાંજે વાપી સ્ટેશન માસ્તરને જાણ કરી હતી કે, જૂના રેલવે ફાટક નજીક ઓવર બ્રિજ અને બસ ડેપોની સામે ડાઉન લાઇન ટ્રેક ઉપર એક મહિલા અને બાળકી ટ્રેનની અડફેટે આવતા મોતને ભેટ્યા છે. વાપી જીઆરપી સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી કરી હતી. અંદાજે 30 વર્ષીય મહિલા કે જેણે સિલ્વર કલરની ફુલ ડીઝાઇન અને ગુલાબી કિનારીવાળી સાડી અને આ કલરની જ બ્લાઉઝ પહેરેલી હતી.

જ્યારે અંદાજે 3 વર્ષની બાળકી આસમાની કલરની ટીશર્ટ તથા મરૂન કલરની સફેદ પટ્ટીવાળી હાફ પેન્ટ પહેરેલી હતી જેની લાશ જોવા મળી હતી. વાપી રેલવે પોલીસે આકસ્મિક મોતની નોંધ કરીને મૃતક મહિલાના જમણા હાથના કલાઇ ઉપર અંગ્રેજીમાં ડીઇવીએ તથા બાજુમાં દિલનું છુંદણું છે જેની ઉપર વાંસળી તેમજ મોરપીંછ ત્રોફાવેલા હોય એના આધારે ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, 10 દિવસ પછી પણ માતા પુત્રીની ઓળખ ન થતા કે મૃતકના પરિવારનો કોઇ પત્તો ન લાગતા આખરે રેલવે પોલીસે માતા-પુત્રીની અંતિમ વિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...