વાપી જનસેવા સર્કલ પાસે એક મકાનમાં 8 વર્ષની પુત્રી સાથે સુતેલી માતાને અકસ્માત નડ્યો હતો. ચલા તરફ જતા કારના ચાલકે સામેથી રોંગ સાઇડે આવતા સાયકલ ચાલકને બચાવવા જતા મકાનના દીવાલથી ગાડી અથડાવતા દીવાલ તૂટી પડી હતી. જેમાં માતાને માથા અને હાથના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
વાપી જનસેવા સર્કલ સ્થિત જગદીશ બિલ્ડીંગની સામે રહેતા ઇબ્રાહીમભાઇ સોમવારે રાત્રે પરિવાર સાથે જમી પરવારીને અન્ય રૂમમાં સૂઇ ગયા હતા. ત્યારે રાતના 8.30 પછી અચાનક ધડાકા ભેર અવાજ સંભળાતા તેઓ ઉઠ્યા હતા અને બહાર આવતા એક કારનો ચાલક તેમના મકાન બહારની દીવાલ સાથે અથડાયેલ હાલતમાં દેખાયો હતો.
જેથી તાત્કાલિક મકાનમાં દોડતા તેમની પત્ની અને 8 વર્ષીય પુત્રીને હેમખેમ બહાર કાઢી જોતા પત્નીને માથામાં અને હાથના ભાગે ઇજા પહોંચ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. જે બાદ તાત્કાલિક પત્નીને જનસેવા હોસ્પિટલમાં લઇ જતા તબીબે તેને આઇસીયુ વિભાગમાં દાખલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં એક હાથમાં ફ્રેક્ચર થયા હોવાનું બહાર આવ્યું હતું.
કાર ચાલક જયસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, તેઓ વાસ્તવ પાર્કમાં રહે છે અને રાત્રે તેમની બ્રીઝા કાર નં.ડીડી-03-કે-5651 લઇ તેઓ ચલા તરફ નીકળ્યા હતા. ત્યારે જગદીશ બિલ્ડીંગ આગળ એક સાયકલ ચાલક સામેથી રોંગ સાઇડે આવતા તેને બચાવવામાં ગાડી ઘરની દીવાલ સાથે અથડાઇ ગઇ હતી. આ મામલે બંને પક્ષે સમાધાન કરી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.