તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નકલી નોટનો માસ્ટર માઇન્ડ BSc ડિગ્રી ધારક સહિત વધુ 4 નાશિકથી ઝડપાયા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ધરમપુરથી 500ના દરની 148 નોટ સાથે 4 ઝડપાયા હતા
  • ફોટો શોપથી નોટ સ્કેન કરી પ્રિન્ટ કાઢીને માર્કેટમાં ફેરવી

એસઓજીએ 500ના દરની 148 ડુપ્લીકેટ નોટો સાથે બે આરોપીની ધરમપુરથી ધરપકડ કરી વધુ તપાસ કરતા અન્ય ચાર ઇસમોને નાશિકથી પકડીને લઇ આવી હતી. 11 જૂનના રોજ એસઓજી પીઆઇ વી.બી.વારડ અને એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામી તથા તેમની ટીમે બાતમીના આધારે ધરમપુર સમડી ચોક સામે આવેલ જૂની કેરી માર્કેટના કમ્પાઉન્ડમાંથી આરોપી ઝીપરૂ સંતા પાસેથી 500ના દરની ખોટી ચલણી નોટો નંગ-60 સાથે કબજે લઇ તપાસ હાથ ધરાઇ હતી. જે બાદ અન્ય ત્રણ ઇસમોને ધરમપુરથી પકડી પાડી તેઓ પાસેથી રૂ.500ના દરની ખોટી નોટો નંગ-88 કબજે લઇ આરોપીઓના 19 જૂન સુધી રિમાન્ડ મેળવાયા હતા.

આ બનાવટી ચલણી નોટ ક્યાં પ્રિન્ટ કરાઇ હતી અને નોટો સર્ક્યુલેશન કરવામાં કોણ કોણ સંડોવાયેલ છે તેમજ આ કામમાં ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી અને પ્રિન્ટ થયેલ નોટો કબજે કરવા સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓની ધરપકડ માટે જિલ્લા એસપીની સુચનાને લઇ એસઓજીની ટીમે મહારાષ્ટ્રના નાશિક વિસ્તારથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી બનાવટની રૂપિયા 500ના દરની 300 નંગ ડુપ્લીકેટ નોટો કબજે કરી છે.

બોગસ નોટ કૌભાંડમાં આરોપીઓની ભૂમિકા
આરોપી હરીદાસ ઉર્ફે હરેશ સોનીરામ ચૌધરી રહે.ગામ માંધા ચીકાર ફળિયુ તા.સુરગાણા જી.નાશિક એ સહ આરોપી કૂતેશ ઉર્ફે અજય પાસે આ નોટો ફોટો શોપ સોફ્ટવેરમાં સ્કેન કરાવી નોટોની પ્રિન્ટો મહારાષ્ટ્રમાં કઢાવી આરોપી જયસિંગ મારફતે સહ આરોપીઓને વટાવવા માટે આપી હતી. આરોપી હરીદાસ ડુપ્લીકેટ 500ના દરની 132 નોટો સાથે પકડાયો છે. જે સાપુતારા અને વઘઇ પોલીસ મથકમાં પ્રોહીબીશનમાં પણ પકડાઇ ચૂક્યો છે.

આરોપી કૂતેશ ઉર્ફે અજય બોચલ રહે.ટેમ્બરૂલપાડા નાશિક એ બી.એસ.સી.નો ડિગ્રી ધારક છે અને આરોપી હરીદાસ ઉર્ફે હરેશ સોનીરામ ચૌધરીના કહેવાથી ફોટો શોપ સોફ્ટવેરના માધ્યમથી સ્કેન કરી કલર પ્રિન્ટો કાઢી આપતો હતો. આરોપી જયસિંગ લક્ષ્મણ વળવી રહે.સુરગાણા નાશીક હરીદાસ પાસેથી બનાવટી નોટો મેળવી અગાઉ પકડાયેલ આરોપી પરસુને આપતો હતો. જયસિંગ પાસેથી 102 નોટો મળી છે. આરોપી ભગવંતા ઉર્ફે ભગવાન સુક્કર ગુંબાડે રહે.નાશીક એ ડુપ્લીકેટ નોટો વટાવવા માટે સહ આરોપી પરસુ પાસેથી મેળવેલ હતી. 66 ડુપ્લીકેટ નોટો મળી છે.

ખરી નોટોના બંડલમાં ખોટી નોટો મૂકી દેતા
આરોપી કુતેશ અને હરીદાસ 500ની નોટ ફોટો શોપ સોફ્ટવેરમાં સ્કેન કરી લેપટોપ તથા પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ કાઢી આ નકલી નોટો બનાવીને ખરા તરીકે ઉપયોગ કરી ધરમપુર અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં સરક્યુલેટ કરતા હતા. સામાવાળાને શંકા ન જાય તે માટે ખરી નોટોના બંડલમાં અમુક ખોટી નોટો મુકી બજારમાં સર્ક્યુલેશનમાં મુકી દેતા હતા.

અન્ય સમાચારો પણ છે...