વિવાદ:વાપી ચલા જ્ઞાનદિપ સ્કૂલ બંધ કરવાનો મુદો ડીઇપીઓના દરબારમાં પહોચ્યોં

વાપી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીપીઓ, આચાર્ય, ટ્રસ્ટના પ્રમુખને 19મેએ હાજર રહેવા તાકીદ

વાપીના ચલા જ્ઞાનદિપ સ્કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના વિરોધ બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર બહાર પાડી ટીપીઓ,આચાર્ય, ટ્રસ્ટના પ્રમુખ,શિક્ષકો અને વાલીઓની હાજરી વચ્ચે 19મેએ શિક્ષણ વિભાગની કચેરીમાં સુનાવણીમાં હાજર રહેવા જણાવાયું છે.વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ચલા જ્ઞાનદિપ સ્કૂલને લખેલા પત્રમાં જણાવ્યુ હતું કે લેડિઝ ફેન્ડસ કલબ સંચાલિત જ્ઞાનદિપ પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8 માન્ય વર્ગો છે. વિદ્યાર્થીઓની સંખ્યા 126 છે.

શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થવાના કારણે શૈક્ષણિક સત્ર 2022-23થી શાળા બંધ કરવા અંગે પ્રમુખ મધુબેન ડી શાહની અરજી અન્વયે 22 માર્ચે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વાપી દ્વારા સ્કૂલની મુલાકાત લેતાં બાળકોના વાલીઓએ લેખિતમાં નિવેદન આપ્યું હતું કે શાળામાં બાળકોને શિક્ષણ મેળવવા માટે સારા શિક્ષકો છે. શાળા બંધ થાય તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે તેમ છે.

શાળાના શિક્ષકોએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ શાળા 35 વર્ષથી ચાલે છે. સંસ્થા પર અમારો જીવન નિર્વાહ ચાલી રહ્યો છે. તેમજ શાળામાં ભણતાં બાળકોના વાલીઓ નિયમિત રીતે શાળામાં ફી જમા કરાવે છે. જેથી સમગ્ર હકીકત ધ્યાને લેતાં વાલીઓ અને શિક્ષકોની શાલા બંધ ન થાય તે માટે 19 મે બપોરે 12 કલાકે શિક્ષણ શાખા વલસાડ જિલ્લા પંચાયત કચેરીમાં રૂબરુ સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું હતું. વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીએ ટીપીઓ,આચાર્ય, ટ્રસ્ટના પ્રમુખ,શિક્ષકો અને વાલીઓને સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે.

નવા સત્ર પહેલા નિર્ણય આવી જશે
ચલાની ગુજરાતી માધ્યમની સ્કૂલ બંધ કરવાના નિર્ણયના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. વાલીઓ અને શિક્ષકોએ સ્કૂલ ચાલુ રાખવા શિક્ષણ વિભાગને લેખિતમાં નિવેદન આપ્યું છે. 19 મેએ શિક્ષણ વિભાગે સુનાવણી રાખવામાં આવી છે. જેથી 13 જુનથી શરૂ થતાં નવા સત્ર પહેલા ગુજરાતી શાળા ચાલુ રહેશે કે કાયમ માટે બંધ થશે તે અંગેનો ફાઇનલ નિર્ણય આવી જશે.

અન્ય સમાચારો પણ છે...