ગ્રાઉન્ડ રિપોર્ટ:સવાર,બપોર કરતાં સાંજે સૌથી વધુ મતદારો બહાર આવ્યાં

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાપીના ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીમાં બોગસ મતદાનનો મુદો કેન્દ્ર સ્થાને રહ્યો

તાલુકાની 22 ગ્રામ પંચાયતોનીચૂંટણી માટે રવિવાર સવારથી મતદાન કરવાં મતદારો ઉમટી પડયા હતા,પરંતુ સવાર અને બપોરની તુલનાએ સૌથી વધુ સાંજના 4 વાગ્યા બાદ મતદાતઓ સ્વયંભુ બહાર નિકળ્યા હતાં. જેના કારણે જંગી મતદાન થવાની સંભાવના છે. બીજી તરફ મોટા ભાગના મતદાન કેન્દ્રો પર કોઇ મોટી બબાલ ન થતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થઇ હતી. વાપી ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ મતદાનનો મુદો અનેક ગામોમાં ઉઠયો હતો. સામ-સામી પેનલના ઉમેદવારોએ એક-બીજા પર બોગસ મતદાન કરાવ્યો હોવાના આક્ષેપો કરવામાંમ આવ્યાં હતાં. જો કે આ દરેક કિસ્સાઓમાં કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.

છીરીમાં ગંદકી ઢાંકવા તંત્રએ પડદા લગાવવા પડયાં
વાપીના છીરી ગામના મતદાન કેન્દ્ર નજીક નહેર પસાર થાય છે. જયાં હાલ વધુ ગંદકી જોવા મળી રહી છે. મતદારો આ ગંદકી જોઇ ન શકે તે માટે તંત્રએ તેને ઢાકવા પડદા લગાવ્યાં હતાં. પરંતુ અહી આવતાં મતદારો પણ સમજી શકે કે ગંદકી દેખાઇ નહિ તે માટે પડદા લગાવી દેવામાં આવ્યાં છે. મતદાન કેન્દ્ર અડીને આવેલું હોવા છતાં પણ સફાઇની કામગીરી ન કરાઇ હતી.

પંચાયતની ચૂંટણીમાં મહિલાઓએ વધુ ભાગ લીધો
મોટા ભાગે મતદાન કેન્દ્રો બહાર પુરૂષો જ બેસતાં હોય છે, પરંતુ ચણોદમાં મતદાન બુથોની બહાર મહિલાઓ જોવા મળી હતી. મહિલાઓ સ્લીપની વહેંચણી તથા મતદારોને રિઝવવાની કામગીરીમાં વ્યસ્ત જોવા મ‌ળી હતી. ચણોદ ગામમાં સરપંચપદ માટે પણ બે મહિલાઓ આમને-સામને છે. જેથી મહિલાઓએ આ ચૂંટણીમાં મહત્વનો રોલ અદા કર્યો હતો.

વધુ વળતરની અપેક્ષાએ કપરાડાના હજારો મજુરો માત્ર મતદાન માટે પરત આવ્યાં
અંતરયાળ કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મજુરો માત્રને માત્ર એક દિવસની મજુરી કરતાં મતદાનમાં વધુ મજુરી મળશે એવી અપેક્ષાએ મતદાન કરવા પરત આવ્યા હતાં.કપરાડા મજુરી સાથે સંકળાયેલા લોકો સમગ્ર ગુજરાતમાં રોજગારી માટે જાય છે. ત્યારે ચૂંટણીના દિવસે માત્ર એક દિવસ માટે પરત આવી મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ મજૂરોને ઉમેદવારને ટેકેદારો દ્વારા આવાજાવાના ભાડા સાથે મજૂરી પણ ચૂકવાયાનું કહેવાય છે.

વાપીના મતદાન કેન્દ્રો પર અવ્યવસ્થા જોવા મળી
વાપી તાલુકાના મતદાન કેન્દ્રો પર આ વખતે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. મતદારોએ મતદાન કેન્દ્રની બહાર પુછવું પડ્યુ હતું કે અમારે કયાં મતદાન કરવાનું છે. આ ઉપરાંત બુથના નામ સહિત તથા પાર્કિંગના સ્ટીકર કે બોર્ડ પણ જોવા મળ્યાં ન હતાં. પરિણામે પોલીસકર્મીઓએ મતદારોને સમજાવવાની નોબત આવી હતી. ખાસ કરીને ચણોદ,છીરી અને છરવાડાના કેન્દ્રો પર વ્યવસ્થાનો અભાવ હતો.

અન્ય સમાચારો પણ છે...