કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે 9મી મે ના રોજ એક અનોખા લગ્ન થવા જઇ રહ્યા છે એની ચારેતરફ ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી લગ્નપત્રિકા મુજબ કપરાડાના નાનાપોંઢામાં વરરાજા એક જ મંડપમાં, એક જ દિવસે અને સમયે એકી સાથે બે કન્યાઓ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. એક જ લગ્નમંડપમાં વરરાજા બે યુવતી સાથે લગ્ન કરવાના હોવાથી લગ્ન પર સૌની મીટ મંડાઇ છે.
યુવક-યુવતીઓ લાંબો સમય સાથે પસાર કરે છે
નાનાપોંઢામાં રહેતો પ્રકાશ ગાવિત છેલ્લા 10થી વધુ વર્ષથી નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ સાથે જ રહેતા હતા. નયના અને કુસુમ લાંબા સમયથી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેતા હતા. આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવક યુવતીઓ લાંબો સમય સાથે રહ્યાં બાદ આર્થિક સગવડે લગ્ન કરતાં હોય છે.
બે મહિલા લાંબા સમયથી લિવ-ઇન-રિલેશનશિપ હતી
વર્ષોથી આદિવાસી સમાજમાં યુવક-યુવતીઓ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યાં બાદ બંને લગ્ન કરવાનો નિર્ણય કરે છે, પરંતુ કપરાડાના નાનાપોંઢામાં 9 મેએ અનોખા લગ્ન થવા જઇ રહ્યા છે, જેમાં એક લગ્ન મંડપમાં વરરાજા એકી સાથે બે દુલ્હન સાથે લગ્ન કરશે. બે મહિલા સાથે લાંબા સમયથી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ યુવક બંને મહિલા સાથે લગ્ન કરશે.
દહાણુ-બોરડીમાં પણ આવા લગ્ન થયા હતા
બે વર્ષ પહેલાં વાપીની કંપનીમાં કામ કરતાં યુવાનના દહાણુ-બોરડી ખાતે એક જ લગ્ન મંડપમાં વરરાજાએ બે કન્યાઓ સાથે લગ્ન કર્યા હતાં. ત્યારે પણ સોશિયલ મીડિયામાં લગ્ન પત્રિકા અને લગ્નના દિવસની તસ્વીરો સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ હતી. ત્યારે ફરી નાનાપોંઢામાં એક જ લગ્ન મંડપમાં વરરાજા બે કન્યાઓ સાથે લગ્ન કરશે.
બાળક થયા બાદ લગ્ન કરાતા હોય છે
કપરાડા આદિવાસી સમાજના આગેવાન હરીશભાઇએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વિના જ પતિ-પત્ની તરીકે સાથે રહે છે. બાળક થયા બાદ લગ્ન કરાતાં હોય છે. સમુહ લગ્નમાં પણ બાળકોના માતા-પિતા લગ્ન કરતાં હોય છે. બાળકોને સાથે રાખીને સમુહ લગ્નમાં ફેરા લેતાં હોવાના અનેક કિસ્સાઓ અત્યારસુધી બની ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.