વાપી તાલુકાની સૌથી મોટી પંચાયત ગણાતી ચણોદ ગ્રામ પંચાયતનું 6 મહિનાનું 2.19 લાખનું વીજ બીલ ભરવા અંગે વાર વાર ડીજીવીસીએલ દ્વારા જાણ કરાઇ હતી, પરંતુ વીજ ન ભરાતાં આ વખતે વાપી વીજ કચેરી દ્વારા પંચાયત અને સ્ટીટ લાઇટનું વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું.જેને લઇ સ્થાનિક રાજકારણમાં પણ ગરમાટો વ્યાપી ગયો હતો. ચણોદ પંચાયતના અંધેર વહીવટના કારણે વીજળી ડૂલ થઇ હતી.
વાપી તાલુકામાં સૌથી વધુ બજેટ ધરાવતી ચણોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા છ-આઠ મહિનાથી સતત વિવાદો ચાલી રહ્યાં છે. પંચાયતની ચૂંટણી ટાણે બે જુથો વચ્ચે ચાલી રહેલા વિવાદ હજુ પણ શમ્યો ન હોઇ એવું લાગી રહ્યું છે. કારણ કે ચણોદ ગ્રામ પંચાયત કચેરી અને સ્ટ્રીટ લાઇટનું વીજ બીલ લાંબા સમયથી ભરાયું ન હતુ.છ મહિના જેટલો સમય વિતી જતાં વાપી વીજ કચેરી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ચણોદમાં છ મહિનાથી વીજ બીલ ન ભરતાં ગ્રાહકોના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતાં. જેમાં ચણોદ પંચાયત કચેરીનું અંદાજે 2.19 લાખ જેટલુ વીજ બીલ ભરવાનું બાકી હોવાથી ડીજીવીસીએલ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું.જેને લઇ પંચાયત કચેરીમાં અંધારપટ જોવા મળ્યો હતો. દિવ્ય ભાસ્કરે વાપી ટાઉન વીજ કચેરીના અધિકારીને પુછતાં ચણોદ પંચાયતનું વીજ કનેકશન કપાયું હોવાનું જણાવ્યું હતું. તાલુકાની સૌથી મોટી પંચાયત હોવા છતાં વીજ જોડાણ કપાતા ભારે આશ્વર્ય ફેલાયું છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ રેવેન્યુ અને વસ્તીની દૃષ્ટ્રીએ પણ ચણોદ ગ્રામ પંચાયત મોખરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.