દમણ પ્રશાસન અને આબકારી વિભાગે દારૂની ગેરકાયદે હેરફેર સામે કડક ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત 13 નવેમ્બરની રાત્રે 11 કલાકે આબકારી વિભાગને બાતમી મળી હતી કે, કડેયા કાંઠેથી બોટ દ્વારા ગુજરાતમાં ગેરકાયદે દારૂની હેરાફેરી થવાની છે. જે અંતર્ગત મદદનીશ આબકારી કમિશનર અને આબકારી નિરીક્ષક મિલનકુમાર પટેલ, દિક્ષીત ચારાણીયા અને એક્સાઇઝ ગાર્ડ સુનિલ ધોડિયા, મનીષ યાદવ, અમિત રાજભર’ અને યજ્ઞેશ પટેલે રાત્રે 11:30 કલાકે કડેયા બીચ પર રાખવામાં આવેલી પાંચ બોટની તલાશી લીધી હતી જેમાં કંઇ પણ મળ્યું ન હતું.
જે બાદ આબકારી વિભાગની ટીમે સોમવારે બપોરે 12:15 કલાકે એક બોટ પાણીની વચ્ચે ઉભેલી જોઈ હતી. બહુ ઓછા પાણીને કારણે ત્યાં બીજી બોટ લઈ જવી શક્ય ન હતી. જે બાદ એક્સાઇઝ ગાર્ડ સુનિલ ધોડિયા તરીને બોટ નજીક જવા લાગ્યો હતો. બોટની નજીક પહોંચતા જ બોટમાંથી ત્રણ ઇસમો પાણીમાં કૂદીને ગુજરાતના કોલક તરફ ભાગી ગયા હતા. આબકારી વિભાગ દ્વારા બોટમાંથી દારૂની 8040 બોટલ અને બોટ જપ્ત કરવામાં આવી હતી. આ ક્રમમાં આબકારી વિભાગ દ્વારા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ એક્સાઈઝ એક્ટ 1964 અને ડ્યુટી રૂલ્સ 2020 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.