હુકમ:ડુંગરા કોલોનીમાં 3 વર્ષ અગાઉ થયેલી હત્યામાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ છેડતીની ફરિયાદ કરતા આરોપીએ પતિને ચાકુથી રહેંશી નાંખ્યો હતો

વાપીના ડુંગરા કોલોનીમાં ત્રણ વર્ષ અગાઉ થયેલી હત્યાના કેસમાં આરોપીને વાપી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ડુંગરા કોલોની સ્થિત યુનિક નગરમાં અંકુરની ચાલીમાં રહેતી પ્રિયંકા ભિરગુ રામકુમાર લોધીએ ગત 19મી જુલાઇ 2019ના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પતિ ભિરગુ લોધી મુંબઇમાં સેન્ટિંગનું કામ કરે છે જે અવરનવર તેમને મળવા માટે વાપી આવતા રહેતા હતા. ફરિયાદી પ્રિયંકા તેમના માસીના ઘરે રહેતી હતી. જોકે, તેમની જ ચાલીમાં રહેતો વૈદપ્રકાશ રામસેવક મોર્યા નામક ઇસમ વારેઘડીએ પ્રિયંકાની છેડતી કરતો રહેતો હતો.

પ્રિયંકાને ડાર્લિગ કહીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. વારેઘડીએ છેડતી કરતા આખરે ફરિયાદી પ્રિયંકાએ આ તમામ હકીકત તેમના માસા-માસીને જણાવતા રૂમ માલિકને જણાવીને આરોપી વેદપ્રકાશનો રૂમ ખાલી કરાવી દીધો હતો. રામપ્રકાશ ત્યારબાદ અન્ય સ્થળે રહેવા માટે ચાલી ગયો હતો. આ દરમિયાન 18મી જુલાઇ 2019ના રોજ પ્રિયંકાનો પતિ મુંબઇથી પરત ફર્યો હતો. પતિ ભિરગુ લોધી દવા લેવા માટે જઇ રહ્યો હતો ત્યારે માર્ગમાં આરોપી વેદપ્રકાશે તેમને રોકીને ઝઘડો કરીને ચાકુથી ે હુમલો કરી દીધો હતો.

ઇજાગ્રસ્તને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ડુંગરા પોલીસે આરોપી વેદપ્રકાશ મોર્યા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે જરૂરી તપાસ કર્યા બાદ વાપી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં સોમવારે વાપી કોર્ટના એડિશનલ સેશન્સ જજ કે. જે. મોદીએ આરોપી વૈદપ્રકાશ રામસેવક મોર્યાને હત્યાનો ભોગ બનનાર ભિરગુ રામકુમાર લોધીની હત્યા કરવાનાં ગુનામાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને દોષીત જાહેર કરવાનો હુકમ કર્યો હતો. આરોપી વૈદપ્રકાશ રામસેવક મોર્ય રહે. ડુંગરા કોલોની, અબ્દુલ રબની ચાલીમાં - વાપીને આઇપીસી 302 ગુના હેઠળ આજીવન કેદની સજા તેમજ પાંચ હજાર રૂ. દંડની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...