બજેટમાં રાહત:વાપી શહેરને મળશે 100 બેડની સિવિલ સમકક્ષ હોસ્પિટલ

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાણાંમંત્રી વારલી પેન્ટિંગવાળા કવરમાં બજેટ રજૂ કરવા પહોંચ્યા - Divya Bhaskar
નાણાંમંત્રી વારલી પેન્ટિંગવાળા કવરમાં બજેટ રજૂ કરવા પહોંચ્યા
  • વાપી, અંકલેશ્વર અને સરીગામના ઉદ્યોગોના ટ્રીટેડ પાણી માટે 480 કરોડની ફાળવણી કરી
  • વાપી, વલસાડ, ધરમપુર અને કપરાડા સહિત તાલુકાઓ માટે પણ બજેટમાં જાહેરાતો કરાઇ
  • પેટ્રોલ-ડિઝલના વેરા ઉપર કાપ મુકાયો, વાપી અને વલસાડને બજેટમાં નવુ શું મળ્યું

રાજય સરકારના નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ ગુરૂવારે વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં વાપી સહિત વલસાડ જિલ્લા માટે અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં વાપી સીઇટીપીથી દમણ દરિયા સુધી પ્રદુષિત પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવશે. વાપી શહેરમાં 100 બેડની સબડિસ્ટ્રીકટ હોસ્પિટલના નિમાર્ણ માટે નાણાની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત વલસાડ-પારડીના બીચોને વિકસાવવા સહિતની જાહેરાતોનો સમાવેશ થાય છે.

પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ રાજય સરકારમાં નાણામંત્રી હોવાથી વાપી સહિત વલસાડ જિલ્લાના લોકોને બજેટમાં અનેક અપેક્ષાઓ હતી. ગુરૂવારે નાંણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં વાપી,સરીગામ અને અંકલેશ્વરમાં ઉદ્યોગોના ટ્રીટમેન્ટ કરેલા પાણીના નિકાલ માટે દરિયા સુધી પાઇપલાઇન નાખવા 480 કરોડની નાણાંકીય જોગવાઇની જાહેરાત કરી હતી. જેથી છેલ્લા થોડા સમયથી ખોરંભે પડેલા પ્રોજેકટને હવે વેગ મળ‌શે.

બીજી તરફ વાપીમાં સરકારી હોસ્પિટલ શહેરની બહાર ચલામાં હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મેડિકલ સુવિધા માટે મુશ્કેલી ઊભી થતી હતી. નાણામંત્રીએ વાપીમાં 100 બેડની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. જેથી હવે કામદાર હોસ્પિટલ, ચલા સરકારી હોસ્પિટલ બાદ હવે વધુ એક 100 બેડની હોસ્પિટલથી ગરીબ દર્દીઓને મેડિકલ સુવિધા આવનારા દિવસોમાં મળી રહેશે. નાણામંત્રીએ પારડીના ઉમરસાડીમાં જેટી બનાવવા, વલસાડ અને પારડીના દરિયાના બીચને વિકસાવવા અંગેની પણ જાહેરાત કરી હતી. લાંબા સમય બાદ રાજય સરકારના બજેટમાં વાપી સહિત વલસાડ જિલ્લા માટે અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે.

નાણાંમંત્રી વારલી પેન્ટિંગવાળા કવરમાં બજેટ રજૂ કરવા પહોંચ્યા
​​​​​​​ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં વસવાટ કરતી વારલી જાતિના નામે વારલી ચિત્રકળા જાણીતી છે. ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીંપણવાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. હજારો વર્ષ જૂની પ્રાચીન કાળની ચિત્રકળા, હાલના સમયમાં આધુનિકતાને કારણે ધીરે ધીરે લુપ્ત થતી હોવાનું જાણવા મળે છે. આ ચિત્રકળામાં મોટેભાગે ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવા પાયાના આકારનો ઉપયોગ કરી સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ માણસ, નદી, સરોવર, પર્વતના ચિત્રો બનાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની ચિત્રકળાને નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ મહત્વ આપ્યું હતું.

તિથલને બ્લ્યુ ‌ફલેગ બીચ તરીકે વિકસાવાશે
તિથલ બીચના વધુ વિકાસને નાણાંમંત્રી કનુભાઇએ ધ્યાને લીધું છે.જેમાં બ્લ્યુ ફલેક આંતરરાષ્ટ્રિય બીચ તરીકે માન્યતા પ્રાપ્ત શિવરાજપુરના બીચનીચ જેમ વલસાડના તિથલ બીચ ખાતે બ્લ્યુ ફલેગ બીચના વિકાસ માટે રૂ.8 કરોડની જોગવાઇની જાહેરાત કરી છે.

વાપીના કોર્મશિયલ મિલકત ધારકોને રાહત
વાપીના ઉદ્યોગકાર શરદભાઇ ઠાકરે જણાવ્યું હતું કે રજૂ બજેટને લઘુ ઉદ્યોગ ભારતી દિલથી આવકારે છે. પેટ્રોલ ડીઝલના વેરા ઉપર કાપ મૂકવાથી સામાન્ય માણસો તેમજ લોજિસ્ટિક સેક્ટરને રાહત મળશે, સાથે સાથે ઉદ્યોગ જગતને પણ ફાયદો થશે. વ્યવસાય વેરો નાબુદ કરવાથી વાપીના નાના વ્યક્તિઓને રાહત મળશે.

પારડી ઉમરસાડીમાં ફલોટિંગ જેટીની સુવિધા
રાજ્યના 2022-23ના બજેટને રજૂ કરતાં નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દરિયા કાંઠે ફલોટિંગ જેટીની સુવિધાને પણ પ્રાધાન્ય આપ્યું છે.આ બજેટમાં રાજ્યમાં હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદઢ બનાવવા તથા ચોરવાડ અ્ને પારડીના ઉમરસાડીમાં ફ્લોટિંગ જેટીની સુવિધા પૂરી પાડવા કુલ રૂ.264 કરોડની જોગવાઇ કરી છે.

નવા ઉદ્યોગોને પ્રોત્સાહન, પાલિકા માટે જોગવાઇ
ગુરૂવારે રજુ થયેલા બજેટમાં રાજયમાં નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને પ્રોત્સાહન આપવાની જાહેરાત થઇ છે. વીઆઇએ સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યું હતું કે નવા ઉદ્યોગો શરૂ થવાથી અનેક લોકોને રોજગારીની તકો ઊભી થશે. પાલિકાને આત્મિનિર્ભર બનાવવા નાણાકીય જોગવાઇ પણ કરવામાં આવી છે.

બજેટમાં ખેરગામ સાયન્સ કોલેજની મંજૂરીની જાહેરાતથી તાલુકામાં આનંદનો માહોલ
ખેરગામ ખાતે સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ આવેલ છે. વલસાડ,નવસારી જિલ્લા મથકે તથા બીલીમોરા ખાતે મંડળ સંચાલિત વિજ્ઞાન કોલેજો આવેલ છે.પરંતુ સદર કોલેજોમાં મર્યાદીત પ્રવેશના કારણે ખેરગામ,ચિખલી,વાંસદા,ધરમપુર અને આ વિસ્તારના અમુક ગરીબ આદિવાસી ખેડૂતોના બાળકોને વલસાડ નવસારી કે બિલીમોરાની વિજ્ઞાન કોલેજમાં પ્રવેશ ન મળવાને કારણે છાત્રો પ્રવેશથી વંચિત રહી જાય છે.ખેરગામ કોલેજનુ પોતાનુ તમામ સુવિધાવાળુ અધ્યત્ન મકાન છે.હોસ્ટેલ,બિલ્ડીગ,સ્ટાફ કવાટરની સુવિધા ધરાવે છે.જેથી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષથી ખેરગામ કોલેજના મકાનમાં સરકારી વિજ્ઞાન કોલેજની મંજુરી આપી ચાલુ કરવા રૂઝવણી ગામના અગ્રણી ઈશ્વરભાઈ પટેલ દ્વારા અગાઉ અનેક વિભાગોમાં રજુઆત થઈ હતી.ગુરુવારે જાહેર થયેલા બજેટમાં ખેરગામમાં સાયન્સ કોલેજ શરૂ કરવાની જાહેરાતથી આ વિભાગમાં વિજ્ઞાન અભ્યાસુ છાત્રોમાં આનંદની લાગણી વ્યાપી હતી.

અગાઉ દરખાસ્ત થયેલી પણ સમાવેશ થયો ન હતો
ત્રણ વખત દરખાસ્ત બાદ નાણાંકીય અભાવે બે બજેટમાં સમાવેશ થયો ન હોવાનું અને ચાલુ વર્ષે ત્રીજા પ્રયત્ને આ સંભવ થયાનું જણાવ્યું હતું.- ડૉ.સંજય પટેલ,આચાર્ય, ખેરગામ કોલેજ

અન્ય સમાચારો પણ છે...