વાપી નજીકના છીરીગામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ગંદા પાણીના નિકાલ માટે ખોદાયેલા ખાડામાં પડી જતા 7 વર્ષના બાળકનું ડૂબી જતા મોત થયું હતું. જોકે, આ સમગ્ર ઘટનાને બિલ્ડર અને અગ્રણીઓએ મૃતકના પરિવારને બે લાખની રકમ આપીને કેસને રફેદફે કરી દીધો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ કેસમાં બિલ્ડર સામે પોલીસ કાર્યવાહી કરે એવી માગ પણ સ્થાનિકોમાં ઉઠી છે.
વાપીના છીરીગામે ન્યૂ લક્કી હોટલ વિસ્તારમાં પપ્પુ નામક બિલ્ડરે ગંદા પાણીના નિકાલ માટે ગેરકાયદે 10 ફૂટથી વધુનો ખાડા ખોદીને તેમની ફરતે કોર્ડન કર્યા વિના જ છોડી દીધો હતો. શનિવારે આ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારનો સાત વર્ષનો બાળક ખાળકૂવાના ખાડામાં પડી જતા મોતને ભેટ્યો હતો. જોકે, કથિત સંભળાતી ચર્ચા મુજબ બિલ્ડર પપ્પુ અને સ્થાનિક અગ્રણીઓએ મૃતક પરિવારને યેનકેન પ્રકારે અને 2 લાખ રૂપિયા આપીને મામલો પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે એવા પ્રયાસ કર્યા હતા. આ અંગે બિલ્ડર પપ્પુએ જણાવ્યું કે, મૃતક બાળકના પરિવાર સાથે સમાધાન થઇ ગયું છે તો પોલીસ કેસ કરવાની જરૂર ન હતી.
આમ હાલ તો આ મુદ્દો છીરી અને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. નિર્દોશ બાળકના મોત પ્રકરણમાં પોલીસ વિભાગ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.આ મુદ્દે મૃતક બાળકના પરિવારે કોઇપણ જાતનું નિવેદન આપવા માટે ઇનકાર કર્યો હતો. એક નાનાકડી ભૂલે માસૂમ બાળકનો ભોગ લઇ લીધો હતો. જેને લઇ ચર્ચા સંભળાઇ રહી છે.
અગાઉ પણ ત્રણ બાળકો પડ્યા હતા
બિલ્ડર દ્વારા ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા અંદાજે 10 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેમા ગંદુ પાણી જમા કરતો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ ખાડામાં ઘટનાના બે દિવસ પહેલા પણ ત્રણ બાળકો પડ્યા હતા જેને સ્થાનિક લોકોએ હેમખેમ બચાવી લીધા હતા.
બિલ્ડર સામે 304(અ) મુજબ ગુનો નોંધવો જોઇએ
બિલ્ડરની બેજવાબદારીના પગલે શનિવારે 7 વર્ષના નિર્દોષ બાળકનું મોત થયું હતું. આ કેસમાં ડુંગરા પોલીસે આગળ આવીને બિલ્ડર સામે બેદરકારી દાખવવા બદલ બાળકના મોતના કેસમાં આઇપીસી 304(અ) મુજબ ગુનો નોંધવો જોઇએ. બે દિવસ પછી પણ ડુંગરા પોલીસની નિષ્ક્રિયતાના પગલે તેમની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.