ક્રાઈમ:બર્થડે પાર્ટી સેલવાસના ઉદ્યોગપતિના પુત્રએ જ આપી હતી, સોશ્યિલ મીડિયામાં આક્રોશ

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ તપાસમાં આનંદ પટેલ બર્થડે બોય, યાદવ નામક ઇસમ વોન્ટેડ

સેલવાસ બોર્ડર પર આવેલ લવાછામાં દમણગંગા નદી કિનારે બર્થડે પાર્ટીમાં ડુંગરા પોલીસે રેઇડ કરી સેલવાસના 19 નબીરાની ધરપકડ કરી દારૂ,મોબાઇલ અને વાહનો મળી 32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે આનંદ રમેશ પટેલ નામના ઇસમને બર્થડે બોય બતાવી યાદવ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. જોકે આ બર્થડે સેલવાસના એક ઉદ્યોગપતિના પુત્રનું હોવાનું જણાવી લોકોએ સોશ્યિલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો છે.  

પાર્ટી ગોઠવ્યા હોવાનું સોશ્યિલ મીડિયામાં લોકોએ જણાવી આક્રોશ વ્યક્ત કર્યો
વાપીના ડુંગરા પોલીસે બીજી જુલાઇની રાત્રિએ લવાછામાં આંબાવાડી પાસે દમણગંગા નદી કિનારે દારૂની મહેફિલ માણતા સેલવાસના 19 નબીરાની ધરપકડ કરી હતી. સ્થળ પરથી બીયર, મોબાઇલ, કાર, બાઇક અને અન્ય વસ્તુઓ મળી 32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પકડાયેલા આનંદ રમેશ પટેલએ બીજી જુલાઇએ બર્થડે હોવાથી પાર્ટી આપ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જોકે બીજી જુલાઇએ આનંદ પટેલનો નહી સેલવાસના ઉદ્યોગપતિના પુત્રનો બર્થડે હોય અને તેણે જ આ પાર્ટી ગોઠવ્યા હોવાનું સોશ્યિલ મીડિયામાં લોકોએ જણાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. સોશ્યિલ મીડિયા પ્રમાણે આરોપી આનંદ પટેલનો બર્થડે 17મી જુલાઇએ છે. હવે આ કેસમાં કોણ કોને ગેરમાર્ગે દોરી રહ્યું છે તે તપાસનો વિષય છે. પોલીસે આ કેસમાં પ્રોહી.નો જથ્થો પુરો પાડનાર યાદવ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. 

અન્ય સમાચારો પણ છે...