વલસાડ જિલ્લાની 963 પ્રાથમિક શાળાઓ અને 250થી વધુ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનનો સોમવારથી પ્રારંભ થયો હતો. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ 13 જુને નવા સત્રનો પ્રારંભ થશે. બે વર્ષથી કોરોના કાળના કારણે વિદ્યાર્થીઓ બહાર ફરવા માટે જઇ શક્યા નથી, પરંતુ આ વર્ષે ઉનાળુ વેકેશનમાં બહાર ફરવા જવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
શિક્ષણ વિભાગના કેલેન્ડર મુજબ આ વર્ષે 9 મેથી 12 જુન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહ્યાં બાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ફરી 13 જુનથી નવા સત્ર સાથે રાબેતા મુજબ શરૂ થશે. જે અંતગર્ત વલસાડ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સોમવારથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો હતો. ખાસ કરીને છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓ બહાર ફરવા માટે ગયા નથી. પરંતુ આ વર્ષે કોરોના કાબુમાં હોવાથી વિદ્યાર્થીઓને બહાર ફરવા માટે જશે. ખાસ કરીને ગુજરાતમાંથી ઉત્તર ભારતના પ્રવાસ વધુ ગોઠવાઇ રહ્યાં છે.
આ સાથે ગુજરાતના જાણીતા સ્થળોએ પણ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે ફરવા જતાં હોય છે. આ ઉપરાંત વેકેશનમાં સમર કેમ્પોમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લેશે. યોગ,ગીત સંગીત,રમત-ગમત, ગાયન-વાદન ચિત્રકલા જેવી પ્રવૃતિઓ કરાવામાં આવશે. આમ આગામી 13 જુન સુધી વિદ્યાર્થીઓ વેકેશનના મુડમાં રહેશે. બે વર્ષથી કોરોનાના કારણે ન ગયેલા સ્થળોએ વિદ્યાર્થીઓ હરવા ફરવા માટે પહોંચશે.
સંકલન સાથે પ્રા-મા. શાળાઓમાં વેકેશન
છેલ્લા થોડા વર્ષોથી પ્રાથમિક શાળઓ અને માધ્યમિક શાળાઓમાં એટલે કે ધો.1થી 12માં વેકેશન એક સમાન હોય છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સંકલન કરી એક સમાન વેકેશન રહેતુ હોય છે. કેટલી જાહેર રજાઓ આવશે અને તે દરમિયાન કેટલી રજાઓ રહેશે તે અગાઉથી શિક્ષણ વિભાગના કેલેન્ડરમાં નક્કી જ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.