તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો બ્રિજ:સામા ચોમાસે વાપી બ્રિજના 144 કરોડના પ્રોજેકટની ટેન્ડર પ્રક્રિયા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુના બ્રિજને તોડી પાડવાની કામગીરી પણ હજુ સુધી શરૂ થઇ શકી નથી, ફ્રેઇટ કોરીડોર માટે નવો બ્રિજ બનાવવામાં આવશે

વાપી-દમણનો હયાત ફલાય ઓવરબ્રિજને તોડી પાડી નવા બ્રિજ માટે રાજય સરકારે કુલ રૂ. 144 કરોડની વહીવટી મંજુરી આપી હતી,પરંતુ હજુ સુધી કામગીરી શરૂ થઇ શકી ન હતી. હવે મોડે-મોડે સામા ચોમાસે આ પ્રોજેકટનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. જુનના અંતમાં ટેન્ડર ખોલવાની સાથે કામગીરી માટે એજન્સી નક્કી થશે. જો કે જુના બ્રિજને તોડવાની કામગીરી પણ હજુ સુધી હાથ ધરાઇ નથી.

વાપી ફલાય ઓવરબ્રિજની નીચેના રેલવે ટ્રેક પરથી ડબલ ડેકર્સની ટ્રેનો પસાર થવાની છે. આ બ્રિજની ઉંચાઇ વધારે ન હોવાથી રેલવે વિભાગ બ્રિજની ઉંચાઇ વધારવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ સમગ્ર નવા બ્રિજ માટે વાપી સરકારમાં દરખાસ્તના સૂચન સાથે સરકારમાં રજૂઆત કરતાં કુલ 144 કરોડની વહીવટી મંજુરી મળી હતી. પરંતુ કોરોના કાળ વચ્ચે આ પ્રોજેકટની કામગીરી શરૂ થઇ શકી નથી. તાજેતરમાં હવે વાપી ફલાય ઓવરબ્રિજને નવેસરથી બનાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ થઇ છે. વાપી માર્ગ અને મકાન વિભાગના જણાવ્યાં મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. જુનના અંતરમાં ટેન્ડર ખોલવાની સાથે આ પ્રોજેકટ માટેની એજન્સી નક્કી થઇ જશે. બીજી તરફ હવે ચોમાસાની પણ શરૂઆત થવાની છે. જેથી વરસાદી માહોલ વચ્ચે આ પ્રોજેકટ શરૂ થાય તેવી સંભાવના અોછી છે. જેથી વાપીવાસીઓએ હજુ પણ નવા ફલાય ઓવરબ્રિજ માટે રાહ જોવી પડશે. દમણની અવર જવર માટે અને વાપી પૂર્વ અને પશ્વિમને જોડતો આ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુબ જ અગત્યનો છે. ટ્રાફિકના પ્રશ્નને લઇ હાલ કામગીરી અટવાઇ છે.

જુના ફાટકને કાર્યરત કરવાની તમામ તૈયારીઓે પૂર્ણ
હયાત વાપી ફલાય ઓવરબ્રિજને તોડી નવો બનાવાની કામગીરી શરૂ થાય તે પહેલા વાપી ડેપો સામે જુના ફાટકને કાર્યરત કરવાની તમામ કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. જુના ફાટક આગળ રોડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. રેલવે વિભાગે મંજુરી ન આપતાં જુના ફાટકને હજુ સુધી કાર્યરત કરવામાં આવ્યુ નથી. બીજી તરફ હાલ ટેન્ડરની પ્રક્રિયા શરૂ થઇ છે. જેથી થોડા મહિનાઓમાં કામગીરી શરૂ થાય એવું લાગી રહ્યું છેે.

ઇમરાન નગરથી ગોલ્ડ કોઇન સુધી નવો બ્રિજ બનશે
શહેરના વર્ષો જુના એક માત્ર 20 વર્ષ જુના ફલાય ઓવરબ્રિજને તોડી નવો બનાવામાં આવશે. જેમાં વાપી ઇમરાન નગરથી ચલા ગોલ્ડ કોઇન સુધી નવો ફલાય ઓવરબ્રિજ બનશે. રેલવે વિભાગ ડબલ ડેકર્સ ટ્રેન પસાર થઇ શકે તે મુજબની ઉંચાઇ અને ટેકનિકલ રિપોર્ટ સહિતની તમામ કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. હવે માત્ર રેલવેની મંજુરીની રાહ જોવાઇ રહી છે.

વાહન વ્યવહાર માટે હાલ કોઇ વિકલ્પ નથી
સંઘપ્રદેશ દમણના ઔદ્યોગીક વસાહતમાં આવતા અને જતા મોટા વાહનો હાલ આ બ્રિજનો મહત્તમ ઉપયોગ કરે છે. જો ફ્રેઇટ કોરીડોર માટે આ બ્રિજને તોડવામાં આવે તો વાહન વ્યવહાર માટે મોડી સમસ્યા અન્ય વિકલ્પ ન હોવાના કારણે ઉદભવી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...