તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સલવાવમાં પોલીસની ગાડીમાંથી ભાગતા યુવકનું ટેમ્પો અડફેટે મોત

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેરી ભાભી મુઝે માર ડાલેગી કહી બીજાની ઓફિસમાં ઘૂસી ગયો હતો

વાપીના સલવાવ સ્થિત એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતો યુવક મંગળવારે બીજાની ઓફિસમાં ઘૂસી જઇ નશામાં લવારો કરતા જોઇ પોલીસને જાણ કરાઇ હતી. જેથી યુવકને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ જતા પહેલા તે દરવાજો ખોલીને હાઇવે તરફ ભાગ્યો હતો. તે જ સમયે એક ટેમ્પોની અડફેટમાં આવતા તેનું સ્થળ પર મોત થયું હતું.

વાપીના સલવાવ સ્થિત સાંઇલીલા મોલ-1 માં આવેલ એવરગ્રીન ટ્રાન્સલાઇન ટ્રાન્સપોર્ટ ઓફિસમાં નોકરી કરતા પ્રશાંતભાઇએ મંગળવારે 100 નંબર ઉપર કંટ્રોલ રૂમને કોલ કરી જણાવેલ કે, એક વ્યક્તિ તેમની ઓફિસમાં ઘૂસી ગયો છે. જેથી તાત્કાલિક પીસીઆર વાન લઇ પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યાં પ્રશાંતે પોલીસને જણાવેલ કે, બપોરે તેઓ ઓફિસમાં સૂતેલા હતા ત્યારે એક વ્યક્તિ શટર ઉંચા કરી તેમની ઓફિસમાં આવી પર્સ અને મોબાઇલ તેમની બાજુ ફેંકી બેડ નીચે ઘૂસી ગયો હતો. મે મરનેવાલા હું મેરી ભાભી મુઝે માર દેગી પર મેરે ઘરવાલે કો બતા દેના કી મે સબકો બહુત પ્યાર કરતા હું તેમ કહી લાદી ઉપર તે સુઇ ગયો હતો. જેથી પોલીસે તે વ્યક્તિના મોઢા પર પાણી છાંટીને ઉઠાવી નામઠામ પૂછતા તે જવાબ આપતો ન હતો.

તપાસમાં તે સાંઇલીલા મોલમાં જ આવેલ દિલ્હી ગુજરાત ફ્લીટ કેરીયર ટ્રાન્સપોર્ટમાં કામ કરતા અને જોગીન્દર જયલાલ રહે.હરિયાણાના હોવાનું બહાર આવ્યું હતું. યુવક નશામાં હોય તેને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ જતા પહેલા જ પાછળનો દરવાજો ખોલી હાઇવે તરફ ભાગતી વખતે એક ટેમ્પોની અડફેટમાં તે આવી ગયો હતો. જેથી ઘટનાસ્થળ પર તેનું મોત થયું હતું. મૃતક જોગીન્દર લોકડાઉનમાં પોતાના વતન હરિયાણા જતો રહ્યો હતો. ચારથી પાંચ દિવસ પહેલા જ તે પરત વાપીની ટ્રાન્સપોર્ટ ઓફિસ પર આવ્યો હતો.

આધાર માંગતા કાર્ડ મોઢામાં નાખ્યો
પોલીસે યુવકની ઓળખ જાણવા તેના પર્સમાંથી આધારકાર્ડ કાઢી જોવા જતા તેણે કાર્ડ છીનવી પોતાના મોઢામાં નાંખી દીધેલ, જેથી તેના મોંઢામાંથી આધારકાર્ડ કાઢી લઇ વાંચતા તેની ઓળખ જોગીન્દર જયલાલ તરીકે થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...