અરજદારો સાવધાન:આજથી વાપી-વલસાડના તલાટીઓ અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર

વાપી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લા તલાટી મંડળે ડીડીઓને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો

વલસાડ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા રાજ્ય સરકાર દ્વારા પડતર પ્રશ્રો ન ઉકેલાતાં 2 ઓગષ્ટ મંગળવારથી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. સોમવારે જિલ્લા ડીડીઓને તલાટીઓએ આવેદનપત્ર આપી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર જવાની જાણ કરી હતી. જેથી મંગળવારે વાપી-વલસાડ સહિત સમગ્ર જિલ્લામાં તલાટીઓ ગેરહાજર રહેશે. જેથી અરજદારોને હાલાકી પડી શકે છે. વલસાડ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અમિત પટેલ અને તલાટીઓ દ્વારા સોમવારે ડીડીઓ મનિષ ગુરવાણીને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા 2018થી સતત લેખિત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્રોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવેલી નથી. આ અગાઉ 7 સપ્ટેમ્બર 2021ના રોજ હડતાળનું એલાન કરેલુ હતું.પરંતુ એ સમયે સરકારે ટુંક સમયમાં પ્રશ્રોના ઉકેલ લાવવાની બાંહેધરી આપતાં હડતાળ મોકુફ રાખી હતી.

જે બાંહેધરીને 9 માસ જેટલો સમય થવા છતાં વાર વાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્રનો સુખદ ઉકેલ નહિ આવતાં ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની 9 જુલાઈએ ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં સર્વાનુમત્તે થયેલી ઠરાવ મુજબ આગામી 2 ઓગષ્ટથી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્રોનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્તની હડતાળ પર જવાનું નક્કી થયુ હતું.

વલસાડના તલાટી મંત્રી મંડળનો અન્ય આદેશ ના થાય ત્યાં સુધી વલસાડ જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓએ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્ણય કર્યો છે. જેથી મંગળવારથી જિલ્લામાં તલાટીઓની હડતાળથી હજારો અરજદારોના પ્રશ્રો અટવાશે એવું લાગી રહ્યું છે.

ત્રિરંગા યાત્રાની તમામ કામગીરી તલાટીઓ કરશે
તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્રોનું નિરાકરણ નહિ થતાં વલસાડ જિલ્લા તમામ તલાટી કમ મંત્રીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા 13થી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતગર્ત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાનો રહેશે. આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી 2 ઓગષ્ટથી અચોક્કસ મુદ્તની હડતાળ પર જવાનો વલસાડ જિલ્લા તલાટી મંત્રી મંડળ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.

તલાટીઓ વિના અરજાદોને આ તકલીફ પડેશે
તલાટીઓની ઘેરહાજરીના કારણે અરજદારોએ પેઢીનામું બનાવવા, આકરણી પત્રક,આવક -જાવકના દાખલા માટે સહી સિક્કા સહિત અનેક કામો અટવાઇ જાય છે

અન્ય સમાચારો પણ છે...