કલેકટરને રજૂઆત:જિલ્લાના કેટલાક વેન્ડરો સ્ટેમ્પના નિયત દર કરતા 60 રૂપિયા ‌વધુ વસૂલી રહ્યા છે

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપીના જાગૃત નાગરિકે પુરાવા સાથે કલેકટરને રજૂઆત કરી

જિલ્લા કેટલાક વેન્ડરો નિયત દર કરતા સ્ટેમ્પના 60 રૂપિયા વધુ લેતા હોવાની ફરિયાદ વાપીના રહીશે જિલ્લા કલેકટરને પુરાવા સાથે કરી છે. વાપી રાજ સફાયર ટાવર પાસે રહેતા એક જાગૃત નાગરિકે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું હતું કે ગુંજન એરિયાના સ્ટેમ્પ વેન્ડર પાસે ત્રણ સ્ટેમ્પ 100,100, 300 રૂપિયાના ખરીદયા હતા. 500 કિંમતના સ્ટેમ્પ પેપર સામે 560 રૂપિયા લેવામાં આવ્યા હતા. એટલે કે રૂ.60 વધારાના લેવાયા હતાં.

બીજા કિસ્સામાં ઉમરગામ તાલુકાના સરીગામ ખાતેના સ્ટેમ્પ વેન્ડર પાસે 5 મેના રોજ 300ની કિંમતના ત્રણ સ્ટેમ્પ ખરીદયા હતાં. જેની કિંમત રૂ.900 થાય છે. પરંતુ વેન્ડરે 960 રૂપિયા લીધા હતાં. અરજદારે પુછતાં સ્ટેમ્પ વેન્ડરે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ચાલે છે જેથી ચાર્જ તો લાગશે જ એવો જવાબ આપ્યો હતો. થોડા દિવસો પહેલા વધુ ચાર્જિશ લેનારના પરવાના રદ્ કરાશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જેથી વાપી અને સરીગામમાં વધુ ચાર્જિશ લેનાર સ્ટેમ્પ વેન્ડરોના પરવાના રદ્ કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી.

સરકારની સૂચનાનું પાલન પણ થતું નથી
થોડા દિવસો પહેલા વલસાડ જિલ્લાના સંબંધિત અધિકારીઓએ અખબારયાદીમાં જણાવ્યું હતું કે સરકારે નિમેલા સ્ટેમ્પ વેન્ડરો નક્કી કરેલા ચાર્જિસ પ્રમાણે જ સ્ટેમ્પનું વેચાણ કરશે. વધુ ચાર્જિસ લેનારના પરવાના રદ્ થશે, આમ છતાં કેટલાક સ્ટેમ્પ વેન્ડરો સરકારની સૂચનાનું પણ પાલન કરતાં નથી. હવે લોકોએ જ જાગૃત બનીને આગળ આવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...