વિસંગતતા:વાપી શહેરના 6 કિમીમાં વરસાદના અલગ આંકડા પાલિકા 58 ઇંચ, મામલતદાર 48 ઇંચ, આઇડીસીનો 55 ઇંચ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ મુજબ વાપી તાલુકાના સિઝનના સરેરાશ વરસાદની અડધી સદી પૂર્ણ, ત્રણેય સ્થળે વરસાદ મપાય છે

વાપી શહેરમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે, ત્યારે ત્રણ સરકારી કચેરીમાં વાપીના કુલ વરસાદના આંકડામાં મોટી વિસંગતતા જોવા મળી રહી છે. વાપીના 6 કિ.મી.ના અંતરમાં બુધવાર સુધીમાં પાલિકા કચેરીએ સિઝનનો કુલ વરસાદ (1444 એમ.એમ.) 58 ઇંચ, મામલતદાર કચેરીમાં 48 ઇંચ (1212 એમ.એમ.) અને જીઆઇડીસી કચેરીમાં 55 ઇંચ વરસાદના આંકડા રજુ કરાયા છે.

વરસાદ માપવાનું સાધન
વરસાદ માપવાનું સાધન

ત્રણેય સ્થળ નજીક હોવા છતાં અલગ-અલગ આંકડાથી શહેરીજનોમાં પણ કુલ વરસાદને લઇ સવાલો મનમાં ઉઠી રહ્યાં છે. વાપી તાલુકામાં જુનમાં સૌથી ઓેછો વરસાદ પડ્યો છે,પરંતુ જુલાઇની શરૂઆત થયાં બાદ મેઘરાજા વાપીમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમની માહિતી મુજબ વાપીનો સિઝનનો કુલ વરસાદ અડધી સદી સુધી પહોંચ્યો છે,પરંતુ વાપીની ત્રણ સરકારી કચેરીમાં સિઝનના કુલ વરસાદના આંકડા અલગ અલગ દર્શાવી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કરની ટીમે પહેલા વાપી પાલિકામાં વરસાદ માપતાં ફાયર બ્રિગ્રેડના સાગર માંગેલાને પૂછતાં તેમણે બુધવાર સાંજ સુધીમાં 1414 એમ.એમ. (58 ઇંચ) સિઝનનો કુલ વરસાદ હોવાનું જણાવ્યું હતું. જયારે તાલુકા સેવા સદનમાં (મામલતદાર કચેરી)માં નાયબ મામલતદારના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં વાપીનો સિઝનનો કુલ વરસાદ 1212 એમ.એમ.(48 ઇંચ) હોવાનું જણાવ્યું હતું.

જયારે વાપી નોટિફાઇડના ચીફ ઓફિસર દેવેન્દ્ર સગરે જણાવ્યું હતું કે વાપી જીઆઇડીસીમાં બુધવાર બપોર સુધીમાં 55 ઇંચ જેટલો સિઝનનો વરસાદ નોંધાયો છે. આમ વાપીમાં 6થી 7 કિલોમીટરના અંતરે આવેલી ત્રણ કચેરીમાં અલગ-અલગ વરસાદના આંકડા જોવા મળી રહ્યાં છે.

1 કિમીમાં પણ વરસાદમાં સમાનતા હોય શકે છે
હવામાન વિભાગના નિષ્ણાતના જણાવ્યાં મુજબ વરસાદની સિસ્ટમ જયાં સક્રિય થાય છે ત્યાં વધુ વરસાદ પડે છે. જેથી કોઇ વખત 1 કિ.મી.ના વરસાદમાં પણ સમાનતા જોવા મળે છે. આવી રીતે શહેરોમાં વિસ્તાર વધુ હોય છે. તેથી આવું બની શકે છે. પરંતુ દરેક વખતે આવું બને તે પણ શક્ય નથી. જેથી થોડો તફાવત હોઇ શકે. આ ઉપરાંત હવે જનની જગ્યાએ જુલાઇમાં વધુ વરસાદ આવવાની પેર્ટન બદલાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...