કાર્યવાહી:સેલવાસની અપહ્ત 3 સગીરા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા નોઇડાથી મળી

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાથી પરત ન આવતા પરિવારે ફરિયાદ નોંધાવી હતી

સેલવાસમાં એક શાળામાં અભ્યાસ કરતી ત્રણ સગીરા અચાનક ગુમ થતા તેઓની શોધખોળ બાદ પરિવારે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સેલવાસ પોલીસે સગીરાઓ પાસેના મોબાઇલને ટ્રેસ કરતા તેઓ નોઇડામાં હોવાનું બહાર આવતા ત્રણેયને સેલવાસ લાવી પરિવારને સોંપી દેવાયો હતો. દાનહના નરોલી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા 21 ઓક્ટોબરે શાળાએ ગયા બાદ મોડે સુધી પરત ન આવતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેની સાથે અભ્યાસ કરતી અન્ય બે છોકરીઓ પણ ગુમ છે.

જેથી આ અંગે તાત્કાલિક નરોલી પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ સામે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દાનહ એસપી હરેશ્વર સ્વામી, આઇપીએસ અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈનના નિર્દેશનમાં કેસની ગંભીરતાને જોઇ પીઆઇ જીગ્નેશ પટેલએ અલગ અલગ ટીમો બનાવી અપહરણ કરાયેલી છોકરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઇલ નંબરને સર્વેલન્સ હેઠળ રાખતા જાણવા મળ્યું હતું કે, છોકરીઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે.

જેથી તેમની તમામ એક્ટિવિટીને પણ ટ્રેક કરી મોબાઇલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા થકી જાણવા મળ્યું હતું કે, તેઓ ઉત્તર પ્રદેશના નોઇડા ખાતે હાજર છે. જેથી સેલવાસ પોલીસની એક ટીમ નોઇડા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી ત્રણેય સગીરાને શોધી કાઢી સેલવાસ ખાતે લઇ આવી જરૂરી કાર્યવાહી બાદ તેઓના માતા-પિતાને સોંપી દેવાઇ હતી. આ સારી કામગીરીમાં સામેલ ટીમને યોગ્ય પુરસ્કાર આપશે.

અન્ય સમાચારો પણ છે...