દમણમાં મહિલા બની સ્વનિર્ભર:ગૃહ ઉદ્યોગના પાપડનો સ્વાદ હવે સાત સમુદ્ર પાર UK પહોંચ્યો

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓ આત્મનિર્ભર બનવા ઉત્સાહિત - Divya Bhaskar
મહિલાઓ આત્મનિર્ભર બનવા ઉત્સાહિત
  • અધ્યક્ષ ફાલ્ગુની પટેલે લંડન- લેસ્ટર માટે 700 કિલો પાપડનો ઓર્ડર આપ્યો

સમગ્ર દેશમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ મહિલા સ્વાવલંબન અભિયાન કેન્દ્રશાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના કારણે પ્રદેશમાં પણ સફળતાની સીડીઓ ચઢી રહ્યું છે. ગઈકાલ સુધી દમણની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા અથાણાં, મશરૂમ અને પાપડ સહિતની અન્ય વસ્તુઓ દમણની હોટેલોમાં ખરીદવામાં આવતી હતી. પરંતુ હવે વિદેશ યુકે (લંડન)થી દમણની મહિલાઓ દ્વારા ગૃહઉદ્યોગ દ્વારા તૈયાર કરાયેલા પાપડનો સાત સમંદર પારથી મોટો ઓર્ડર આવ્યો છે.

પાપડનો પ્રથમ 700 કિલોનો ઓર્ડર લંડન-લેસ્ટરથી મળ્યો
પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લા પંચાયત વેપાર સમિતિના અધ્યક્ષ અને પ્રદેશ ભાજપ સેક્રેટરી ફાલ્ગુની પટેલે દમણના સ્વસહાય જૂથની બહેનોને લંડન-લેસ્ટરથી 700 કિલોથી વધુનો પાપડનો પ્રથમ ઓર્ડર આપ્યો છે. ઝારીના અન્નપૂર્ણા ગૃહ ઉદ્યોગ, પાલિત તુલસી ગૃહ ઉદ્યોગ, દમણવાડાના ભાગ્યલક્ષ્મી ગૃહ ઉદ્યોગ અને બજરંગી ગૃહ ઉદ્યોગ, બાદલીવાડીના જય અંબે ગૃહ ઉદ્યોગની મહિલાઓ દ્વારા પાપડ તૈયાર કરાયા છે.

મહિલાઓએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો
પ્રથમ વખત વિદેશની ધરતી પરથી મળેલા ઓર્ડરથી દમણની મહિલાઓમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે. ફાલ્ગુની પટેલે કહ્યું કે, દમણની મહિલાઓ વતી હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ 3ડીના પ્રશાસક પ્રફુલ પટેલનો આભાર માનું છું. પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલ તરફથી પણ સતત સમર્થન અને માર્ગદર્શન મળી રહ્યું છે.

મહિલાઓ આત્મનિર્ભર બનવા ઉત્સાહિત છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રશાસનના સહકારથી મહિલાઓને સફળતા મળી છે. ગૃહઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતા પાપડ સહિત અન્ય ખાદ્યપદાર્થો વિદેશની ધરતી પર પહોંચ્યા છે. દમણમાં મહિલાઓ મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથોમાં જોડાઈ રહી છે. આ મહિલાઓ આત્મનિર્ભર બનવા માટે ઉત્સાહિત છે.- ફાલ્ગુની પટેલ, પ્રમુખ, વેપાર સમિતિ- દમણ

અન્ય સમાચારો પણ છે...