ધરમપુરના બીલપુડી બેઝ ફળિયાની યુવતીએ આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યુ છે. ખેતી કરતાં ખેડૂતની પુત્રીને બીએસએફમાં રાજસ્થાન-ગુજરાત બોર્ડર બાડમેરપોસ્ટિંગ મળ્યું છે. જેને લઇ પરિવારજનો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. હવે કપરાડા અને ધરમપુરના યુવક-યુવતીઓમાં આર્મીમાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે.
ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયામાં રહેતી આદિવાસી સમાજના રસિકભાઈ ભોયા અને મયનાબેનની દીકરી સ્મિતાએ બીએસએફમાં પોસ્ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે. આ પોસ્ટિંગ મળતાં પ્રગતિ મહિલા મંડળ, બીલપુડી અને ગ્રામજનો દ્વારા સ્મિતાના સન્માન સમારંભનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનીતાબેન ગાંવિતે સ્મિતાનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરી ગામની આદિવાસી દીકરીને દેશની સેવા કરવાનો અવસરે મળ્યો હોય ગૌરવની લાગણી અનુભવી રહી હોવાનું જણાવ્યું હતું. સ્મિતાએ કારકિર્દીના વિકલ્પ તરીકે બીએસએફની પસંદગી કરી દેશની સેવા કરવા માટેનો જુસ્સો બતાવી અન્ય યુવતીઓને પણ પ્રેરણા પુરી પાડી છે.
આ કાર્યક્રમમાં નિવૃત્ત સર્કલ અધિકારી રમેશભાઈ ગાંવિત, ગુજરાત કામદાર કલ્યાણ બોર્ડના નિવૃત્ત સંચાલક શંકરભાઈ ગાવિત તેમજ બગાયતશાસ્ત્રી ચિન્મય ગાંવિતે સ્મિતાને શુભેચ્છાઓ પાઠવી યુવાનો અને યુવતીઓને દેશની સેવા કરવાની પ્રેરણા પુરી પાડી ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બીલપુડી ગામની પહેલી દીકરી છે, જેમણે દેશની સેવા માટે બીએસએફની પસંદગી કરી તેમાં પોસ્ટિંગ મેળવી ગામનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.
પંજાબના હોશિયારપુર BSF ટ્રેનિંગ લીધી
સ્મિતાએ પ્રાથમિક શિક્ષણ બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં મેળવ્યુ હતું. ધોરણ 9 થી 12 આદર્શ નિવાસી શાળા, વલસાડ ખાતે કર્યા બાદ બીઆરએસ કોલેજ કરી સુરત યુનિવર્સિટીમાં એમઆરએસ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ પંજાબના હોશિયારપુર બીએસએફ. ટ્રેનિંગ સેન્ટર ખાતે એક વર્ષની તાલીમ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.