તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સલામત એસટી અમારી અને તેમાં સુરક્ષિત દારૂની હેરાફેરી

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક માસમાં બસમાં દારૂ મળવાના 5થી વધુ કેસ નોંધાયા

વાપીના ડુંગરા પોલીસે સેલવાસથી અંકલેશ્વર લઇ જતા દારૂ સાથે એસટી બસના ચાલક અને મહિલા કંડક્ટરની ધરપકડ કરી છે. જ્યારે ટાઉન પોલીસે દમણથી એસટી બસમાં દારૂ ભરીને લઇ આવતા 7 મહિલાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.એક માસમાં એસટી બસમાંથી દારૂ મળવાના 5થી વધુ કેસ નોંધાય ચૂક્યા છે.

સલામત એસટી અમારી અને તેમાં સુરક્ષિત દારૂની હેરાફેરી. હાથ ઉંચા કરો અને બસમાં બેસો તેમજ સલામત અને સુરક્ષિત એસટી બસની સવારીનો લાભ હવે બુટલેગરો લઇ રહ્યા છે. વાપીના ડુંગરા પોલીસે બાતમીના આધારે બુધવારે વાપી-સેલવાસના બોર્ડર પીપરીયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન સેલવાસથી વાપી તરફ આવતી એસટી બસ નં.જીજે-18-ઝેડ-2477ને અટકાવી બસની ડીકીમાં ચકાસણી કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂની બોટલ નંગ-76 કિં.રૂ.25,700 અને ત્રણ મોબાઇલ કિં.રૂ.6,500 મળી કુલ રૂ.32,200નો મુદ્દામાલ કબજે લઇ આરોપી ડ્રાઇવર શંકર મોરાભાઇ ગોધા રહે.ધુનિયા, ટેપરાવાડી ફળિયા પોસ્ટ સીયાલ ગામ ધુનિયા તા.કડાણા જી.મહિસાગર અને મહિલા કંડક્ટર ઉષાબેન રાજેશ સરદાર બારીયા રહે.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે.44 મંડોળ ફળિયા કંકુથાંભલા જી.પંચમહાલ ની ધરપકડ કરી બંને વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્મયવાહી હાથ ધરી હતી.

બંને આરોપી અંકલેશ્વર ડેપો ઉપર કાર્યરત હતા. તેમજ તેમણે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો તેઓ અંકલેશ્વર ખાતે છૂટકમાં વેચવાના હતા. એસટી ચાલક અને મહિલા કંડક્ટર દ્વારા અગાઉ પણ આ રીતે દારૂની ખેપ મારવામાં આવ્યું હતું કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં સેલવાસથી દારૂનો જથ્થો આપનાર ઇસમ વોન્ટેડ જાહેર કરાયો છે.

બીજી બાજુ વાપી ટાઉન પોલીસે એસટી બસમાં દમણથી દારૂ ભરીને વાપી લઇ આવતા 7 મહિલાની ધરપકડ કરી છે. બુધવારે ટાઉન પોલીસે ડાભેલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન દમણ તરફથી આવતી એસટી બસ નં.જીજે-18-ઝેડ-3789ને અટકાવી અંદર ચકાસણી કરતા સાત મહિલાઓ પાસેના થેલામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની બોટલ નંગ-738 કિં.રૂ.77,500 કબજે લઇ આરોપી લક્ષ્મીબેન હસમુખ ટંડેલ રહે.જલાલપોર નવસારી, નિશાબેન મનીષ રાઠોડ રહે.નવસારી, મિનાબેન કિરીટ રાણા રહે.વાડી ફળિયા સુરત શહેર, રેખાબેન રોહિત પટેલ રહે.નાની કડોદ સુરત શહેર, હસુમતીબેન રાજુ ટંડેલ રહે.માછીવાડ નવસારી, વૈશાલીબેન ભોમીલાલ મિસ્ત્રી રહે.માછીવાડ નવસારી અને જયશ્રીબેન વિજય પટેલ રહે.અમરોલી સુરત શહેર ની ધરપકડ કરી કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કચીગામથી દારૂ સાથે 6 મહિલા ઝડપાઇ
વાપી ટાઉન પોલીસે બુધવારે કચીગામ ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન દમણ તરફથી થેલામાં દારૂ લઇને ચાલતી આવતી 6 મહિલાને અટકાવી રૂ.26,400નો દારૂ કબજે કર્યો હતો. તમામ મહિલા દમણથી દારૂ ભરી ટ્રેનમાં બેસીને સુરત જવા નીકળી હતી. પોલીસે આરોપી સોનુબેન અવસારી, પુનમબેન બબલાભાઇ, શોભાબેન દેવીપુજક, રેખાબેન દેવીપુજક, અંજનાબેન પટેલ, સારદાબેન બિલવાળ, અનીતાબેન દિપક રાઠોડ ની ધરપકડ કરી તમામ સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...