વાપી એસટી ડેપોનું કામચલાઉ સંચાલન બલીઠા હાઇવેથી થઇ રહ્યું છે,ડેપો મેનેજરે વાપી ગુંજન ચાર રસ્તાથી બલીઠા જકાતનાકા સુધી ગેરકાયદે પાર્કિંગ કરતાં વાહન ચાલકોને હટાવવા વાપી ટાઉન પી.આઇ.ને પત્ર લખ્યો છે. ગેરકાયદે વાહનો પાર્કિંગ થતાં ટ્રાફિક જામનો પ્રશ્ન ઉદભવે છે. પોલીસ વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.
વાપી એસટી ડેપોના મેનેજરે ટાઉન પી.આઇ.ને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં વાપી -દમણ-સેલવાસ મુખ્ય ઓવરબ્રિજનું કામ કાર્યરત છે.કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ થતાં વાપી એસટી ડેપોની 457 ટ્રીપો તથા અન્ય વિભાગની 80 જેટલી સર્વિસો કુલ 5378 જેટલી ટ્રીપોની અવર-જવર રહે છે. મુસાફરોને અગવડતામાં ન મુકાય અને સરળ સંચાલન હાથ ધરી શકાય તે હાલમાં 21 ડિસેમ્બરથી નેશનલ હાઇવે નં. 48 દમણગંગા નહેર વિભાગની કચેરી કોર્ટ વિભાગ બાજુમાં બલીઠા ખાતે હંગામી બસ સ્ટેશન બનાવામાં આવ્યું છે. ત્યાંથી મહત્તમ સર્વિસો એક્સપ્રેસ-લોકલ સર્વિસોનું સંચાલન કરવામાં આવે છે.
પરંતુ ગુંજન ચાર રસ્તાથી બલીઠા જકાતનાકા સુધી સર્વિસ રોડ ઉપર બિનઅધિકૃત રીતે ખાનગી વાહનો ગેરકાયદે રીતે પાર્કિંગ કરવામાં આવતાં ટ્રાફિક જામનો પ્રશ્ન ઉદભવે છે. જેના કારણે અકસ્માતોની સંભાવના રહે છે. આડેધડ પાર્કિંગ કરતાં વાહન ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે.
વાપી માધવ હોટલ તરફ બંને છેડે ટ્રાફિક જામ
વાપી ગુંજન ચાર રસ્તાથી બલીઠા જકાતનાકા સુધીના સર્વિસ રોડ આડેધડ પાર્કિંગનો પ્રશ્ન ઉકેલાતો નથી. બલીઠા હાઇવે પર ડેપો કાર્યરત થયા બાદ પણ સર્વિસ રોડ ખાનગી વાહન ચાલકો વાહનો પાર્ક કરે છે. માધવ હોટલ તરફના બંને છેડે વાર વાર ટ્રાફિક જામનો પ્રશ્ન ઉદભવે છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવી આડેધડ પાર્કિંગ કરતાં વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.