મુસાફરોમાં આક્રોશ:વાપી-મોટાપોંઢા તરફની 18 ST ટ્રીપના રૂટ બદલવાની નોબત

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંબાડી ફાટક પાસે માર્ગમાં ગાબડુ
  • રાતા, કોપરલીના રૂટો પર એસટી વ્યવહાર ડાયવર્ટ

વાપીના ચણોદથી મોટાપોંઢા સુધી ખરાબ માર્ગના કારણે રીક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે,ત્યારે હવે તંબાડી ફાટક પાસે 1 મીટરનું માર્ગ પર ગાબડું પડતાં એસટી વ્યવહારને વાપી-કોપરલી માર્ગથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે. 18 જેટલી ટ્રીપોના રૂટ બદલાયા છે.જેના કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓએ ખાનગી વાહનનો સહારો લઇ વધુ ભાડુ ખર્ચવાની ફરજ પડી રહી છે.

વાપી તાલુકામાં વરસી રહેલા વરસાદના કારણે અનેક માર્ગો ધોવાયા છે. ખાસ કરીને વાપી તાલુકાના તંબાડી ફાટક પાસે બ્રિજ જોખમી બન્યો છે. હાલ માર્ગ પર મોટુ ગાબડુ પડ્યું છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય રહ્યાં છે. આ સાથે વાપી એસટી ડેપો દ્વારા આ રૂટ પર ચાલતી 18 ટ્રીપોને વાપી ગુંજન, રાતા,કોપરલી,કવાલ થઇ મોટાપોંઢા માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

જેથી હવે મોટાપોંઢા રૂટના મુસાફરો ગુંજનથી એસટી બસમાં બેસી રહ્યાં છે. બસ જલ્દી ન આવતાં મુસાફરોએ ખાનગી વાહનનો સહારો લેવાની ફરડ પડી રહી છે. જેને લઇ મુસાફરોમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે. મોટાપોઢા સહિતના રૂટ પરથી હજારો કામદારો વાપી જીઆઇડીસીમાં આવતાં હોય છે. હાલ વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને સીધી અસર થઇ રહી છે.

5 કલાકે બસ ન આવતાં રૂટ બદલ્યો
વાપી એસટી ડેપોના સુત્રોએ જણાવ્યું હતું કે વાપી-મોટાપોંઢા રૂટ પર કુલ 18 ટ્રીપો દોડાવામાં આવે છે, ખરાબ રસ્તાના કારણે 5 કલાકે પણ એસટી બસ પરત આવી રહી નથી. તંબાડી ફાટક પાસે માર્ગ બંધ જેવો છે. જેથી હાલ વાપી ગુંજનથી કોપરલી થઇને એસટી બસો મોટાપોંઢા તરફ જઇ રહી છે. મુસાફરોની હાલત દયનીય બની રહી છે.

માર્ગની મરામતની કામગીરી થતી નથી
મોટાપોંઢાના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે દેગામથી વાપી તરફ જતાં માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. માર્ગ પર ચારે તરફ ખાડાઓ જ જોવા મળી રહ્યાં છે. નેશનલ હાઇવે ઓથોરોટી દ્વારા કોઇ ખાસ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી નથી. પરિણામે હજારો લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જનપ્રતિનિધિઓ માર્ગ મરામતમાં સદતર નિષ્ફળ સાબિત થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...