વાપીના કોપરલી પંચાયતના વોર્ડ નં.9ના સભ્યએ સરકારી જમીન પરથી ઊભા વૃક્ષો ગેરકાયદેસર કાપી સરકારી મિલકતને નુકસાન કરવાના મુદે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. સરપંચ અને અન્ય ઇસમો પર આક્ષેપો કરાતાં રાજકીય માહોલ ગરમાયો છે.
વાપી તાલુકાના કોપરલી હેઠલા ફળિયામાં રહેતા અને વોર્ડ નં. 9ના સભ્ય મયુરભાઇ નરોત્તમભાઇ પટેલે જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું હતું કે સરકારી ગૌચરણમાંથી કોઇ પણ જાતના ઠરાવ કે લાકડા કાપવાની મંજુરી લેવા વગર સરકારી જમીનમાંથી 15થી 20 જેવા ઊભા બાવળના વૃક્ષોને ગેરકાયદે કપાવી સરકારી મિલકતને નુકસાન પહોંચાડયુ છે.
કોપરલી ગ્રામ પંચાયતના સરપંચ ઉષાબેન દિનેશભાઇ હળપતિ અને તેમના મળતિયાઓ પર ગંભીર આક્ષેપો કરાયા છે.જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી જરૂરી તપાસ કરવા માગ કરાઇ છે. આ ફરિયાદમાં સરકારી જમીનના દસ્તાવેજો અને ઝાડો કાપવા સહિતના પુરવાઓ પણ રજુ કરાયા છે. આ જિલ્લા પંચાયતની તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.