કાર્યવાહી:સેલવાસ અથાલનો આરોપી રમેશ સનવરે 27 વર્ષ પહેલા પોલીસની રાયફલ છીનવી હતી

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સપ્રેસ વેની જમીનના 9 કરોડ માટે બાળકની બલિ ચઢાવી
  • પોલીસે પગમાં ગોળી મારતા રમેશ લંગડો તરીકે ઓળખાતો થયો
  • સ્મશાનમાં મેલી વિદ્યા કરીને બાળકનું માથું ઘડથી અલગ કરી નંખાયું હતું, લાશને નહેરમાં ફેંકી દીધી હતી

યોગેન્દ્ર પટેલ
આજના આધુનિક યુગમાં પણ કાળા જાદુ, તાંત્રિક વિધીમાં નરબલિનો પ્રયોગ કેટલો ચોંકાવનારો બનતો હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં સંઘપ્રદેશ સેલવાસમાં ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. તમે અને હું આપણે ક્યારે કલ્પના પણ ન કરી શકીએ કે, કોર્ટ કચેરીમાં ફસાયેલા કરોડો રૂપિયા એક ઝાટકે મળી જાય એ માટે કોઇ માસૂમ બાળકની બલિ ચઢાવવા સુધીની અમાનવીય કૃત્ય કરી શકે.

સેલવાસના અથાલગામે ગુવારી ફળિયામાં રહેતો 53 વર્ષીય રમેશ ભાડિયા સનવરની કોટુંબિક જમીનમાંથી એક્સપ્રેસ વે નીકળવાનો હોવાથી સરકાર દ્વારા વળતર પેટે 9 કરોડ જેટલી મોટી રકમ ચુકવવાની હતી. જોકે, પરિવારના કેટલાક સભ્યો અને સંબંધીઓ વચ્ચે ભાગ બટાઇમાં મામલો કોર્ટમાં પહોંચી ગયો. રાતોરાત કરોડપતિ બનવાના સપના જોતો રમેશ સનવર માટે આ અસહ્ય થઇ હતું. યેનકેન પ્રકારે રમેશને એક્સપ્રેસ વે ની જમીન સંપાદનમાં મળનારા 9 કરોડ રૂપિયા જોઇતા હતા.

આખરે ભૂતકાળથી જ ગુનાહિત માનસિકતા ઘરાવતા રમેશે આ માટે તાંત્રિક અને નરબલિની યોજના બનાવી કાઢી. આ દરમિયાન રમેશની ઓળખ ડાંગ જિલ્લાના સુબીર ખાતે રહેતા શૈલેશ કોહખેરા સાથે થઇ હતી. શૈલેશે રમેશને મેલી વિદ્યા અને નરબલિથી કરોડો રૂપિયા માત્ર તેની પાસે આવી શકે એવી યોજના બનાવી આપી. શૈલેશ આ માટે નરબલિ કરાવવા માટે એક મહિલાનો સંપર્ક કર્યો. આખરે અથાલગામમાં જ રહેતા એક 7 વર્ષના માસૂમ બાળકને નરબલિ માટે પસંદગી ઉતારવામાં આવી.

નરબલિ પૂર્વે આ બંને ઇસમોએ બાળકની સાથે ધનિષ્ઠા કેળવી. દરરોજ નવીનવી ભેટ સોગાદ અને વાનગી ખવડાવીને વિશ્વાસ સંપાદિત કર્યો. આખરે એક દિવસ બાળકનું અપહરણ કરીને અથાલ નજીકના એક સ્મશાનમાં મેલી વિદ્યાની વિધિ કરીને બાળકની બલિ ચઢાવી દેવામાં આવી હતી. બાળકનું માથું અને એક પગ કાપી નાંખીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. મળતી માહિતી મુજબ વિધિ કરનારી મહિલાએ બાળકની લાશ ઉપર રમેશનો ફોટો મુકીને સમગ્ર વિધિ પૂર્ણ કરી હતી. વિધિ પૂર્ણ કર્યા બાદ લાશને નજીકની નહેરમાં ફેંકી દેવામાં આવી હતી.

બાળકની માથું વિનાની લાશ જ્યારે વાપી નજીકના કરવડગામેથી મળતા ડુંગરા અને સેલવાસ પોલીસ સક્રિય બની હતી. આખરે સેલવાસ પોલીસે બાળકની નરબલિ ચઢાવનાર રમેશ સનવર અને શૈલેશની ધરપકડ કરી છે.

નરબલિનો મુખ્ય આરોપી રમેશ સનવરનો ભૂતકાળ પણ ઘણો રોચક છે, 27 વર્ષ અગાઉ દાનહ પોલીસ જ્યારે સાયકલ ઉપર નાઇટ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે કેશવ પટેલ નામક એક કોન્સ્ટેબલ સાથે રમેશ સનવરે મારામારી કરીને કોન્સ્ટેબલની રાયફલ છીનવી ભાગી ગયો હતો. સેલવાસ પોલીસે આખરે રમેશને પકડવા માટે ગઇ હતી ત્યારે પોલીસ પાસેથી રમેશે જે રાયફલ છીનવી હતી એ રાયફલથી જ પોલીસે રમેશના પગના ભાગે ગોળી મારી દીધી હતી. ત્યારથી અથાલનો રમેશ સનવરની ઓળખ રમેશ લગડો તરીકે થઇ હતી.

આરોપી 2 દિવસના રિમાન્ડ ઉપર
બાળકની નરબલિના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં એક સગીર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સગીરને નવસારી રિમાન્ડ હોમમાં મોકલી અપાયો છે. જ્યારે રમેશ સનવર અને શૈલેશ કોહખરને બુધવારે કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી છે. આ કેસમાં પોલિસે બાળકના શરીરમાંથી ગુમ થયેલા અંગો અને પહેરેલા કપડાં રિકવર કરવાના બાકી હોવાથી વધુ રિમાન્ડની માગણી કરતા 12 જાન્યુઆરી સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...