હત્યા:ડુંગરામાં બાળકોના રમવા મુદ્દે ઝઘડો, યુવકની ફટકો મારી હત્યા

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેલવાસની સિવિલમાં સારવારમાં યુવકે દમ તોડ્યો

વાપીના ડુંગરા વિસ્તારમાં એક ચાલીમાં આજુબાજુમાં રહેતા બે યુવકો વચ્ચે બાળકોના રમવા મુદ્દે બોલાચાલી થતા પાડોશીએ બીજા યુવકના માથામાં લાકડાથી ફટકો મારતા ગંભીર હાલતમાં તે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા ડુંગરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ યુનિક નગર ખાતે ગુપ્તાની ચાલીમાં રૂમ નં.26માં રહેતા ધનોજ દ્વારિકા પ્રસાદ ઉ.વ.33 મુળ યુપી મજૂરી કામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા. રવિવારે 6 તારીખે તેઓ પત્ની અને બાળક સાથે ઘરે હાજર હતા. ત્યારે તેમનો બાળક ચાલીના અન્ય બાળકો સાથે ઘર સામે રમી રહ્યો હતો. તે વખતે રૂમ ન.28માં રહેતો મુન્ના લીંગરાજ મિશ્રા ઉ.વ.30 ઘર બહાર નીકળ્યો હતો અને બાળકો ઉપર ગુસ્સે થઇ ત્યાં રમવા માટે બાળકોને ના પાડી હતી. જે બાદ ધનોજ પણ ઘર બહાર નીકળ્યો હતો. આરોપી મુન્નાએ ધનોજ સાથે બોલાચાલી કરી જણાવેલ કે, તારા બાળકો અહીં બબાલ કરે છે

અને તેમ કહી આક્રોશમાં તેણે ધનોજના માથામાં લાકડાથી બે-ત્રણ ફટકા મારતા લોહીલુહાણ હાલતમાં તે નીચે જમીન પર પટકાયો હતો અને સારવાર માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકને માર મારી આરોપી સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. જ્યારે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત ધનોજનું સારવાર દરમિયાન મંગળવારે મોત થયું હતું. બનાવ અંગે હોસ્પિટલે પોલીસને જાણ કરતા ડુંગરા પોલીસે આરોપી મુન્ના સામે હત્યાનો ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે. બાળકોના રમવા મુદ્દે ઉશ્કેરાયેલા પાડોશીએ બાજુના મકાનમાં રહેતા યુવકને લાકડાનો ફટકો મારતા તે મોતને ભેટ્યો હતો. પોલીસે ફટકો મારી ફરાર થનાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...