વાપીના બિલ્ડરના અપહરણ લૂંટ કેસમાં મંગળવારે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. વાપીના બિલ્ડર કરણ સિંહ રાઠોરએ ફેસબુક ઉપર બિલ્ડિંગના ફ્લેટ અને દુકાનોને વેચવા જાહેરાત આપતા લૂંટારૂ ગેંગના બે ઇસમો તેમની ઓફિસે પહોંચ્યા હતા. ત્રણ ફ્લેટ અને એક દુકાન ખરીદવા માંગુ છું કહીં રૂ.5 લાખનો ચેક આપી અન્ય રૂપિયા સુરતથી આપી ફ્લાઇટમાં દિલ્હી નીકળી જવા જણાવતા બિલ્ડર તેમની સાથે કારમાં બેસી સુરત માટે નીકળ્યો હતો.
જોકે રસ્તામાં બિલ્ડરને ફોન આવતા જ કારમાં બેસેલા આરોપીઓએ તેને માર મારી હાથ-પગ તથા મોઢા પર ટેપ બાંધીને રૂપિયા, મોબાઇલ અને એટીએમની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ રૂ.50 લાખની માંગણી કરતા તેમાં સફળ ન થતા આખરે અંકલેશ્વર હાઇવે ઉપર બિલ્ડરને ઉતારી તેઓ ફરાર થઇ ગયા હતા. આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી હતી. જે પૈકી એક વલસાડમાં ફ્લેટ લઇને રહેતો હતો. મંગળવારે આ કેસને લઇ જીઆઇડીસી પીઆઇ વી.જી.ભરવાડએ તેમની ટીમ સાથે આરોપીઓને લઇ અંબા માતા મંદિર રોડ ઉપર અપહરણ બાદ લૂંટની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી વધુ માહિતી મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.