વાપી મોરાઇમાં આવેલ ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રીય ધ્વજ અને ભગવાન શ્રીરામ તથા હનુમાનજીના ચિત્રવાળી ધ્વજા અને બેનરોથી કચરો બાંધેલા પોટલા મળી આવતા દેશભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેની જાણ પોલીસને કરાતા ટાઉન પોલીસે ગોડાઉન માલિક લિયાકત ખાનની ધરપકડ કરી હતી. તેમજ ગોડાઉનમાંથી 30 નેશનલ ફ્લેગ, 12 શ્રીરામના બેનરની ધ્વજા અને 4 હનુમાનજીના બેનરની ધ્વજા કબજે કરાઇ હતી. ધાર્મિક લાગણી દુભાવવા અને રાષ્ટ્ર ધ્વજના અપમાન કરવા બદલ આરોપી લિયાકત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ હતી.
આરોપી લિયાકત ખાને જણાવેલ કે, સુરતમાં રહેતા સંતોષ પાસેથી છોટા હાથી ટેમ્પો ભરીને તેણે ભંગારનો સામાન ખરીદ્યો હતો. જે ટેમ્પો વિજય નામનો ઇસમ વાપી લઇ આવ્યો હતો. જેને લઇ ટાઉન પોલીસે આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં ટાઉન પોલીસ સંતોષ નામના એક શંકાસ્પદ આરોપીને સુરતથી લઇ પણ આવી હતી.
પરંતુ તેની ભૂમિકા આ સમગ્ર કેસમાં ન હોવાથી નિવેદન લઇ તેને છોડી દેવાયો હતો. આરોપી લિયાકત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હોય તેવી શક્યતા હોઇ શકે છે. હાલ ટાઉન પોલીસની એક ટીમે સુરત વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.અતિસંવેદનસીલ એવા આ કેસમાં 7 દિવસ વીતિ જવા છતાં વાપી ટાઉન પોલીસ રાષ્ટ્રધ્વજ ક્યાંથી આવ્યા હતા તે કડી મેળવવામાં નિષ્ફળ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.