મુસાફરોને ભારે હાલાકી:દમણમાં 8 માસથી નવો એસટી ડેપો ન બનતા યાત્રીઓ વરસાદ-તડકામાં ઊભા રહેવા મજબૂર

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇ અને ગુજરાત સુધીની 50થી વધુ ટ્રીપમાં હજાર મુસાફરોને ભારે હાલાકી

વાપી એસટી ડેપો સંચાલિત દમણમાં એક કંટ્રોલ રૂમની સાથે બસ સ્ટેન્ડ દમણમાં વર્ષોથી ચાલતું હતું. જોકે, છેલ્લા 8 માસથી બસ સ્ટેનડને અન્ય સ્થળે ખસેડવા માટે તોડી નંખાતા રોજ અપ ડાઉન કરનારા મુસાફરોએ વરસતા વરસાદ કે તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. દમણથી છેક મુંબઇ અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં 50થી વધુ બસની ટ્રીપ દોડે છે.

નાની દમણમાં યાત્રીઓની સુવિધા માટે વર્ષોથી એક બસ ડેપો કાર્યરત હતો જોકે, આઠેક માસ અગાઉ માર્ગને પહોળો કરવા તથા ટ્રાફિક નિયમન માટે પ્રશાસને આ બસ ડેપોને ખારીવાડ વિસ્તારમાં ખસેડવા માટે ડેપોનું ડિમોલિશન કરી દીધું હતું. જોકે, પ્રશાસને આઠ માસ વિતી જવા છતાં પણ હજુ સુધી નવો એસટી ડેપો ન બનાવતા તથા જુના ડેપો ઉપર પણ અન્ય કોઇ વ્યવસ્થા ઊભી ન કરાતા મુસાફરોએ વરસતા વરસાદ કે ભર તડકામાં બસની રાહ જોવા માટે ઊભું રહેવું પડે છે.

દમણ ડેપોમાંથી રોજ 50થી વધુ ટ્રીપ ગુજરાતના અલગ અલગ શહેરમાં બસ દોડી રહી છે. આ સંજોગમાં પ્રશાસન દ્વારા તાત્કાલિક મુસાફરો માટે અન્ય કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી માગ કરી રહ્યા છે.

અનેક વખત વૈકલ્પિક વ્યવસ્થા માટે રજૂઆત
વાપી ડેપોના અધિકારી દ્વારા દમણમાં નવો એસટી ડેપો ન બને ત્યાં સુધી અન્ય કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે આરટીઓ અધિકારીને રજૂઆત કરી ચુક્યા છે. ડેપો કંટ્રોલરના જણાવ્યા મુજબ જ્યા સુધી નવું બસ સ્ટેન્ડ ન બને ત્યાં સુધી પતરા નાંખીને શેડ ઊભો કરવામાં આવે તો પણ મુસાફરોને વરસાદમાં થોડી રાહત મળી શકે એમ છે.

એસી બસની સુવિધા પણ બસ સ્ટેન્ડ જ નથી
એક તરફ સેલવાસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અતર્ગત વાતાનુકુલિત ઇલેકટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે. તો બીજી તરફ દમણમાં છેલ્લા આઠ માસથી બસ સ્ટેન્ડ તોડી નંખાયા બાદ નવું નિર્માણ ન કરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ખારીવાડમાં નવો બસડેપો જલ્દી બને તેવું લોકો ઇચ્છે છે.