દમણ પાલિકા અને પ્રશાસને થોડા સમય અગાઉ એફએસઆઇના નિયમોનું ઉલ્લંધન કરનારી નાની અને મોટી દમણની 28 બિલ્ડિંગને નોટિસ ફટકારી હતી. જોકે, શનિવારે અચાનક જ ચાર બિલ્ડિંગને પાલિકાએ તોડવાની કામગીરી શરૂ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોના જીવ ટાળવે ચોંટી ગયા છે. પાલિકાએ બિલ્ડિંગ ખાલી કરાવ્યા વિના જ ટેરેસના ભાગેથી તોડવાની કામગીરી કરતા લાખો રૂપિયાના ખર્ચે ફલેટ ખરીદનારાની હાલત કફોડી બની છે.
નાની અને મોટીદમણમાં આવેલી ચાર હાઇરાઈઝ બિલ્ડિંગને તોડવા માટે દમણ પાલિકાએ શનિવારથી શરૂઆત કરતા ફલેટ ધારકોની મુશ્કેલી વધી છે. પાલિકાએ થોડા સમય અગાઉ એફએસઆઇના મુદ્દે બિલ્ડરને નોટિસ આપી હતી. જોકે, ચાર બિલ્ડિંગના 80 ટકાથી વધુ ફલેટ બિલ્ડરે વેચાણ કરી દીધા છે અને મોટા ભાગના ફલેટમાં લોકો રહેવા માટે પણ આવી ગયા છે.
આ સંજોગમાં પાલિકાએ શનિવારે પોલીસ બદોબસ્ત સાથે બિલ્ડિંગના ટેરેસના ભાગેથી તોડવાની કામગીરી કરતા ફલેટ ધારકોએ પોતાના જીવનભરની મૂડી ગુમાવવાની નોબત આવી હોવાનું અનુભવી રહ્યા છે. આ બધા વચ્ચે ફલેટ ધારકોએ એવી લાગણી પણ વ્યક્ત કરી છેકે, પાલિકા અને પ્રશાસન આ મુદ્દે પુન: વિચારણા કરીને લોકોને મુશ્કેલી ન પડે એ માટે સુવ્યવસ્થિત માર્ગ અપનાવો જોઇએ. દમણમાં આવી 28 બિલ્ડિંગ છે જેમાં 2 હજારથી વધુ ફલેટનું વેચાણ થઇ ગયું છે એના ઉપર પણ ગમે ત્યારે પાલિકા હથોડો ઝીંકે તેવી શક્યતા છે.
બિલ્ડર કે નગરપાલિકાના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થવી જોઇએ
વધારે એફએસઆઇ વાપરીને હાઇરાઇઝ બિલ્ડિંગનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. જોકે, સામાન્ય માણસને આ વાતની ખબર પડતી નથી. પાડાના વાંકે પલાખીને ડામ જેવી સ્થિતિમાં હાલ ફલેટ ધારક મુકાયો છે. ત્યારે તેવો એવી માગણી કરી રહ્યા છે કે, નિયમ વિરૂધ્ધ બાંધકામના મુદ્દે પાલિકાના અધિકારી અને બિલ્ડર સામે કાર્યવાહી થવી જોઇએ.
ઓનલાઇન પ્લાન એપ્રુવલ ફલોપશો બની ગયો
દમણ પાલિકાએ છેલ્લા દોઢેક વર્ષથી બિલ્ડિંગના પ્લાન એપ્રુવલ માટે ઓનલાઇન સિસ્ટમ અમલમાં મુકી છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકાએ અત્યાર સુધીમાં માંડ પાંચ પ્લાન પાસ કર્યા છે. આ સંજોગમાં દમણનો વિકાસ છેલ્લા દોઢ વર્ષથી સવા જ અટકી ગયો છે. કન્સ્ટ્રકશન સાઇટ બંધ થતા લોકોને રોજગારી સામે પણ સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.