તંત્રનો છબરડો:આયુષ્યમાન કાર્ડમાં પટેલોને ચૌધરી બનાવી દેવાતા રોષ, સોફટવેરમાં ક્ષતિથી કલસરના 100 ગ્રામજનોની અટક બદલાઇ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વાપી સહિત વલસાડ જિલ્લાના કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આયુષ્યાન કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે,ત્યારે ઉદવાડા ગામ પીએચસી ખાતે કલસરના 100થી વધુ લોકોના આયુષ્માન કાર્ડમાં અટક બદલી નાખવામાં આવી છે. અરજદારોની પટેલ અટક હોવા છતાં સોફટવેરમાં ટેકનિકલ ખામી આવતાં ચૌધરી દર્શાવામાં આવી રહ્યું છે. હવે સુધારો કરવા અરજદારોએ પારડી મામલતદાર કચેરી સુધી લંબાવવું પડશે.

રાજ્ય સરકારે મા કાર્ડને આયુષ્માન કાર્ડમાં બદલતાં સરકારી દવાખાનામાં હવે આયુષ્માન કાર્ડ માટે અરજદારોનો ઘસારો વધી રહ્યો છે,ત્યારે ઉદવાડા ગામ પીએચસી ખાતે કલસર સહિતના ગ્રામજનો આયુષ્માન કાર્ડ માટે આવી રહ્યાં છે,પરંતુ ઉદવાડા ગામ પીએચસી ખાતે કાઢવામાં આવતાં આયુષ્માન કાર્ડમાં ભારે છબરડા બહાર આવી રહ્યાં છે. આયુષ્માન કાર્ડના અરજદારોની અટક પટેલ હોવા છતાં ચૌધરી દર્શાવામાં આવી રહી છે.

કલસરના 100થી વધુ અરજદારોની અટક બદલી ગઇ છે. જેથી આ અરજદારોએ હવે સુધારા માટે પારડી મામલતદાર કચેરી સુધી લંબાવવું પડશે. સોફટવેરમાં ટેકનિકલ ખામીના કારણે આ સ્થિતિ ઉદભવી રહી છે. ખુદ આયુષ્યમાન કાર્ડની કામગીરી કરતાં કર્મચારીઓ પણ કંટાળ્યાં છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ટેકનિકલ પ્રશ્ન ઉકેલવવા જરૂરી નિર્દેશ આપવા જોઇએ.

ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા
ઉદવાડા ગામમાં આયુષ્માન કાર્ડની કામગીરી કરતાં ડો. ઐશ્નર્યા પટેલને દિવ્ય ભાસ્કરે પુછતાં તેમણે જણાવ્યું હતું કે સોફટેવેરમાં એડિટનો વિકલ્પ ન આપતાં ટેકનિકલ ખામી છે. જેના કારણે આ સમસ્યા આવી રહી છે, પરંતુ પારડી મામલતદાર કચેરીમાં સુધારો થઇ રહ્યો છે. અરજદારો સુધારો કરાવી રહ્યાં છે.

મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા પડે છે
100થી વધુ લોકોની અટક પટેલમાંથી ચૌધરી દર્શાવામાં આવી રહી છે. આજુબાજુના ગામોમાં ચાલતી આયુષ્માન કાર્ડની કામગીરીમાં પણ છબરડા થઇ રહ્યાં છે. પારડી મામલતદાર કચેરી સુધી સુધારા માટે જવું પડે છે. જયાં પણ લાંબી લાઇનો હોય છે. જેથી લોકોને વધુ તકલીફ પડી રહી છે. - મુકેશ પટેલ, સ્થાનિક રહીશ, કલસર

અન્ય સમાચારો પણ છે...